Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં વહેલી સવારથી જ દારૂના અડ્ડાઓ પર પોલીસના દરોડા

અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડનો મામલો બહાર આવ્યા બાદ રાજ્યની પોલીસ અચાનક જાગી

અમદાવાદ તા. ૬ : અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડનો મામલો બહાર આવ્યા બાદ રાજયની પોલીસ અચાનક જાગી છે. શુક્રવારે વહેલી સવારથી જ રાજયના વિવિધ શહેરોમાં પોલીસે દેશી દારુના અડ્ડાઓ પર દરોડા કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં આજે વહેલી સવારે કાગડાપીઠના કાંટોડિયા વાસમાં પોલીસ ત્રાટકી હતી. જોકે, ચેકિંગ દરમિયાન અહીં પોલીસને દારૂ મળ્યો ન હતો. શહેર પોલીસ કમિશ્નરે જે જગ્યાએ દેશી દારૂ મળે છે ત્યાં દિવસમાં ત્રણ વખત રેડ કરવાની સૂચના આપી છે.

દારૂબંધીના કડક અમલ માટે હવે ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી મેદાનમા આવ્યા છે. ત્રણેય નેતાઓએ જનતા રેડ કરીને દારૂ પકડ્યો હતો. આ ઘટનાનો વીડિયો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

આ પહેલા આ ત્રણે નેતાઓએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવકોની મુલાકાત લીધી હતી. જયાં તેમના હાલચાલ પૂછ્યા હતા. ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાત કરતા ગુજરાત સરકાર ઉપર કટાક્ષો કર્યા હતા. આ ઉપરાંત તેમણે દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ત્રણે નેતાઓએ સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા જયારે ગૃહમંત્રી સામે ખુલ્લો પડકાર પણ ફેંકયો હતો કે દારૂબંધીનો કડક અમલ કરી બતાવે.

નવસારી

શુક્રવારે વહેલી સવારે ત્રણ વાગ્યાથી પોલીસે દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની શરુઆત કરી હતી. ક્રાઇમ બ્રાંચે અનેક જગ્યાએ રેડ કરીને દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો તેમજ ભઠ્ઠીઓ પર દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પદાર્થોનો નાશ કર્યો હતો.

સુરત

સુરતમાં ગુરુવારે પોલીસે કરેલી કાર્યવાહીમાં દેશી અને વિદેશ દારૂના ૧૪૧ કેસ નોંધવામાં આવ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દારૂના અડ્ડાઓ પર દરોડા કર્યા હતા. પોલીસે ૧૪૮૯ લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. દારૂ બનાવવા માટે ઉપયોગમાં આવતા ૬૩૬૦ લીટર આથાનો પણ પોલીસે નાશ કર્યો હતો. આ સાથે જ પોલીસે ૩૬૫ નાની-મોટી દારૂની બોટલો પણ કબજે કરી હતી. પોલીસે ૧૧૫થી વધારે આરોપીની અટકાયત કરી છે.

રાજકોટ

રાજકોટમાં પણ ગુરુવારે અલગ અલગ વિસ્તારોમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રોહિબિશનના અલગ અલગ ૧૫ જેટલા કેસ નોંધ્યા હતા. ૭૧ લીટર દેશીદારૂ અને ૩૬ બોટલ વિદેશ દારૂ ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાંચે ૧૭ લાખનો દારૂ ઝડપ્યોઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચે ખેરવા ગામની સીમમાંથી ગુરુવારે રૂ. ૧૭ લાખનો વિદેશ દારૂ ઝડપ્યો હતો. આ સાથે પોલીસે એક વ્યકિતની પણ ધરપકડ કરી હતી.

આણંદ

આણંદ પોલીસે પણ ગુરુવારે વિવિધ વિસ્તારોમાં દરોડા કર્યા હતા. જેમાં પોલીસે ધર્મજ-તારાપુર હાઈવે પાસેથી વિદેશ દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક સાથે અંદાજે ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે આરોપીઓની અટકાયત કરી હતી. આંકલાવમાં પોલીસે કરેલા દરોડામાં સવા લાખનો વિદેશ દારૂ તેમજ દારૂ વેચતા છે લોકોની ધરપકડ કરી હતી.

(11:49 am IST)