Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

શંકરસિંહ વાઘેલા ભરૂચમાં કેમિકલ ફેક્ટરીમાં ઘાયલ કામદારોને મળ્યા: તપાસની માંગણી

કામદારોને સહાય મળે તે માટે સૂચન પણ કર્યુ

અમદાવાદ ; રાજ્યના પૂર્વ મુખ્યમન્ત્રી શંકરસિંહ વાઘેલા  ભરૂચમાં કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં ઈજાગસ્તોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા 10 કામદારોના મોત અંગે તઓએ શોક વ્યક્ત કર્યો હતો. શંકરસિંહ વાઘેલાએ આ દરમિયાન સરકારને તપાસની માંગ કરી હતી અને સાથે જ કામદારોને સહાય મળે તે માટે સૂચન પણ કર્યુ હતું.

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા 10 કામદારોએ જીવ ગુમાવ્યા હતા, તો 70થી વધુ કામદારોને આ ઘટાનામાં ભારે ઈજા પહોંચી છે, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને એન.સી.પીના રાષ્ટ્રીય મહાસચિવ શંકરસિંહ વાઘેલા આજરોજ ભરૂચ આવી પહોચ્યા હતા. ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ કામદારોની તેઓએ મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા. તો સાથે જ તેઓએ મૃતકના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી, અને ત્યારબાદ કંપનીની પણ મુલાકાત લીધી હતી.

સમગ્ર મામલે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેના કારણે આવા ઓદ્યોગિક અકસ્માતો વારંવાર થાય છે અને નિર્દોષ કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. દહેજની યશસ્વી કેમિકલ કંપનીના થયેલ બ્લાસ્ટ બાબતે તેઓએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ પાસે ઉચ્ચ તપાસની માંગ કરી છે.

(8:17 pm IST)