Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વડોદરાની ગોત્રી હોસ્‍પિટલ ફરી વિવાદમાં: દર્દીના ભોજનમાં જીવાત હોવાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ

વડોદરા: કોરોના વાયરસની મહામારી દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ બાદ સૌથી વધારે વિવાદમાં રહી હોય તો તે વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ છે. સારવાર અને સુવિધા મુદ્દે તે સતત વિવાદોમાં રહી છે. ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓનાં ભોજનમાં જીવાત હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

ભાવિન પાટડીયા નામાના દર્દીએ આ વીડિયો વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ વીડિયોમાં તેણે હોસ્પિટલમાં પાણી પણ પુરતુ નહી મળતું હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેણે જણાવ્યું કે, ભોજનની ગુણવત્તા ખુબ જ ખરાબ હોય છે. આ ઉપરાંત આજનાં ભોજનમાં તો જીવાત નિકળી હોવાનું તે જણાવી રહ્યો છે. ફરિયાદ કર્યા બાદ દોઢ કલાક જેટલો સમય થઇ ગયો હોવા છતા હોસ્પિટલ તંત્ર દ્વારા બીજી કોઇ વ્યવસ્થા નહી કરી હોવાનું જણાવ્યું હતું. તેણે હોસ્પિટલનાં સ્ટાફનો વ્યવહાર દર્દીઓ સાથે પશુઓ જેવો હોવાો દાવો કર્યો હતો.

જો કે આ વીડિયો વાયરલ થયા બાદ નોડલ ઓફીસરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, 10 વર્ષથી અક્ષયપાત્ર એજન્સી દ્વારા ભોજન પુરૂ પાડવામાં આવે છે. દર્દીનો વાયરલ થયેલો વીડિયો મારા પણ ધ્યાને આવ્યો છે. તત્કાલ દર્દીને બીજુ જમવાનું અને પાણી બોટલ અને હેન્ડ સેનેટાઇઝર પુરૂ પાડવામાં આવ્યું છે. દર્દી દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટાફને અને એજન્સીને પણ તાકીદ કરી દેવામાં આવી છે.

(4:47 pm IST)