Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

અમદાવાદમાં દોઢ વર્ષનું બાળક ચીકન પીસનું ફેંકેલુ હાડકુ ગળી જતા એક એક શ્વાસ માટે સંઘર્ષ કરવો પડ્યો

અમદાવાદ: 'દોઢ વર્ષનો દીકરો એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરતો હોય... શ્રમિક પિતાને દીકરાને લઈ દર દર ભટકવુ પડ્યું હોય... સારવાર તો ઠીક જમવાના પણ માંડ પૈસા પાસે હોય... ત્યારે જે મજબૂરી અનુભાય એ કોઇ અભિષાપથી કમ નથી હોતી... અધૂરામાં પૂરું દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો. ‘કોમ્પ્લિકેશન વધારે છે સિવિલમાં લઈ જાઓ...’ સાદિકને સિવિલ હોસ્પિટલ લઇ જવાયો...' અને સાદીક આજે હેમખેમ છે.

દોઢ વર્ષનો સાદ્દીક ઘરમાં રમતી વખતે ચીકન પીસના ફેંકેલા હાડકાં ગળી ગયો હતો. માતાએ સાદિકના મોઢામાં આંગળી નાખી બે ટુકડા કાઢી લીધા. પરંતુ ૧ નાનો ટુકડો સાદિક ગળી ગયો હતો, જેની જાણ તુરંત ઘરમાં કોઈને ન થઇ. બીજા દિવસે સાદિકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. શ્વાસ નળીમાં હાડકું ચૂભવાથી સાદિક ચિત્કાર કરવા લાગ્યો.

ચાર મહિના પહેલા બિહારના સીતામઢી જિલ્લાથી આવી રોજગાર અર્થે અમદાવાદમાં વસેલો પરિવાર ચિંતાગ્રસ્ત બન્યો હતો. સાદિકના પિતા અરમાનભાઈ હેન્ડિક્રાફ્ટનું કામ કરે છે, જે લોકડાઉનના કારણે બંધ છે. હજી સુધી શહેરથી અપરિચિત એવા અરમાનભાઈ દીકરાને લઈ એક બે ખાનગી હોસ્પિટલમાં દોડ્યા. દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો ‘કોમ્પ્લિકેશન વધારે છે, સિવિલમાં લઈ જાઓ.’

સાદિકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ત્યારે તે એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પ્રવર્તમાન માર્ગદર્શિકા પ્રમાણે સાદિકનો કરોના ટેસ્ટ કરવામાં આવ્યો. સાદિકની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી તબીબોએ કોરોના રિપોર્ટની રાહ જોયા વગર જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. શ્વાસનળીનું ઓપરેશન હોવાથી જો બાળકને કોરોના હોય તો ચેપ ફેલાવાની શક્યતાઓ પૂરેપૂરી હતી. છતાં તબીબોએ કરોના રિપોર્ટની રાહ વચ્ચે ઓપરેશન કરવાનું સાહસ ખેડ્યું.

સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગના હેડ ડોક્ટર બેલા પ્રજાપતિના જણાવ્યા મુજબ, સાદિકની બ્રોન્કોસ્કોપી કરી દૂરબીન વડે હાડકું કાઢવામાં આવ્યો. નાના બાળકની શ્વાસનળીની જાડાઈ પુખ્ત વયના વ્યક્તિની આંગળી જેટલી હોય છે. આથી આ સર્જરીમાં ડૉ. બેલા પ્રજાપતિ, ડૉ. દેવાંગ ગુપ્તા, ડૉ. વિરલ અને ડૉ. ચૈત્રી સહિતના નિષ્ણાંત તબીબો આગળ આવ્યા હતા. ઉપરાંત એનેસ્થેસિસ્ટ ડૉ. પ્રાચી અગ્નિહોત્રી અને પીડિયાટ્રિશ્યનની પણ મદદ લેવાઈ હતી.

ડૉ. દેવાંગ ગુપ્તા જણાવે છે કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાકાળમાં ઓપરેશન ત્રણ લાખના ખર્ચે થાય, જે અરમાનભાઇને કોઈ કાળે પોસાય નહીં. સાદિકની પરિસ્થિતિ જોતાં જ અમે સૌ તબીબો ઓપરેશનની તેયારી માટે પી.પી.ઇ. કીટ પહેરવા દોડી ગયા હતા. સિવિલમાં લાવ્યાને એક કલાકની અંદર સાદિકનું ઓપરેશન થઈ ગયું.

ઓપરેશન બાદ સાદીકની સ્થિતિ સામાન્ય છે. સાદિકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનો સીટી-સ્કેન રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે.

અરમાનભાઈએ ઓપરેશન સફળ થયા બાદ રડમસ અવાજે જણાવ્યું કે, 'અત્યારે બે ટંક જમવાનાખર્ચ માટે માંડ પહોંચી વળાય છે એવા સમયે મારા એકના એક દીકરાને આ તકલીફ થતાં અમે હિંમત હારી ગયા હતા.  મારી એક જ ઈચ્છા હતી કે મારા દીકરાના શ્વાસ પાછા આવી જાય. હમણાં ઇદમાં કોઈ રાશન આપી ગયું હતું આજે સિવિલના તબીબોએ સાદિકને જીવ પાછો આપ્યો...'

(4:47 pm IST)