Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ગુજરાતમાં જુલાઇ સુધી નહી ખૂલે સ્કૂલો પરંતુ શિક્ષકોએ ૮ જૂનથી ફરજ પર હાજર થવું પડશે !

૮ જૂનથી ધો. ૧ થી ૮ સુધીની પ્રવેશ કાર્યવાહી ચાલુ રાખી શકાશે

અમદાવાદ, તા.૬: કોરોના વાયરસ અને દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉનના કારણે રાજયમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. હજી એક મહિના સુધી સ્કૂલો ખુલે તેમ લાગતું નથી. રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટેકહોલ્ડરો વચ્ચે ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ હતી. જેમાં તમામનો મત એવો હતો કે અગાઉ સ્કૂલો જૂનમાં ખોલવાનું નક્કી કર્યું હતું તે હવે નહીં કરી શકાય. ઓનલાઈન મીટિંગમાં હાજર શિક્ષકો અને સ્કૂલના ટ્રસ્ટીઓનો પણ અભિપ્રાય એવો જ હતો કે, સ્કૂલો હજી ઓછામાં ઓછા એક મહિના સુધી બંધ રહેવી જોઈએ. ત્યાં સુધીમાં સ્થિતિ કાબૂમાં આવી જશે તેવી આશા છે.

કેન્દ્ર સરકારની જાહેરનામા પ્રમાણે ૩૦ જુન સુધી શાળાઓ બંધ રહેશે. વિદ્યાર્થીઓને ઘરે પુસ્તક પહોંચાડી અને હોમ લર્નીંગ સિસ્ટમ મુજબ ભણાવાશે. તેમજ ૮ જુનથી ધો.૧ થી ૯ સુધીના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરશે. ૧૫મી જુનથી DD ગીરનાર ચેનલ ઉપરથી શૈક્ષણીક કાર્યક્રમમાં પ્રસારણ થશે. નવુ સમયપત્રક પણ ટુંક સમયમાં નક્કી થશે.

મીટિંગમાં હાજર તમામના અભિપ્રાય જાણ્યા પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલીઓ સહિત સૌને તેમની રજૂઆતો લેખિતમાં આપવાનું સૂચન કર્યું હતું. મહત્વનું છે કે, રાજય સરકારે માર્ચ મહિનામાં લીધેલા નિર્ણય મુજબ શાળાઓ ૮ જૂન સુધી બંધ રહેવાની હતી. સૂત્રોનું માનીએ તો, શાળાઓમાં સોમવારથી વેકેશન પૂરું થઈ જશે. જો કે, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે પરંતુ શિક્ષકો અને અન્ય સ્ટાફ મેમ્બર્સને ફરજ પર હાજર થવું પડશે.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણભાઈ પટેલે જણાવ્યું, 'આપણે આ મહામારીનો સાથે મળીને સામનો કરવાનો છે. શાળાઓ લાંબા સમય સુધી બંધ રહી શકે છે ત્યારે અમે સરકારને વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાની મંજૂરી આપવામાં આવે. જે લોકોને આર્થિક સંકડાશ હોય તેમને છૂટછાટ આપવામાં આવશે પરંતુ સ્કૂલ ચલાવવા માટે નાણાં જરૂરી છે.'

અમદાવાદ સ્કૂલ્સ પ્રોગ્રિસિવ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ અર્ચિત ભટ્ટે કહ્યું, 'સોફટ લોન રૂપે સરકાર અમને આર્થિક મદદ આપે તેવી રજૂઆત કરી છે. સરકારે આ મુદ્દે હકારાત્મક જવાબ આપતા કહ્યું છે કે, તેઓ બેંક સાથે આ બાબતે વાત કરશે.

(3:39 pm IST)