Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

બધુ જ ખૂલવા લાગ્યુ છે તો હાઇકોર્ટ કેમ નહિ ? વહીવટી વિભાગમાં નિયમ ભંગ

હાઇકોર્ટ એડવોકેટસ એશો.નાપ્રમુખ યતીન ઓઝાના આક્ષેપો

રાજકોટ તા.૬:  ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એશો.ના પ્રમુખ યતીન ઓઝાએ હાઇકોર્ટ હજુ સુધી પુર્ણ રીતે કાર્યરત ન થવા બાબતે નારાજગી વ્યકત કરી હાઇકોર્ટની વહીવટી પાંખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

શ્રી યતીન ઓઝાએ પત્રકારોને જણાવેલ કે લોકડાઉનના સમયમાં વિડીયો કોન્ફરસીંગથી સુનાવણીનો લાભ લઇ  અમૂક વકિલોએ ત્રણ જજો સમક્ષ ૪૦ થી ૭૦ જેટલી અરજીઓ ફાઇલ કરેલી છે. તે ત્રણેય જજો પ્રામાણિક છે. તેની સામે કોઇ ફરિયાદ નથી, પરંતુ વહીવટી પાંખમાં નિતીનિયમનો ભંગ થાય છે. 'કયાં કઇ રીતે નિતી નિયમો જળવાયા નહી તે હું પુરાવા સાથે કહી શકું તેમ છુ. આવુ થવાના કારણ અજાણ્યુ નથી.'

શ્રી યતીન ઓઝાએ જણાવેલ કે લોકડાઉનના કારણે મોટાભાગના વકિલોની  નાણાંકીય સ્થિતી કથળી છે સરકારે મોલ, ધર્મસ્થાનો, રેસ્ટોરન્ટ વગેરે ખોલવાની મંજુરી આપી છતાં હાઇકોર્ટ શા માટે રાબેતા મુજબ ખુલે નહી. દેશ - વિદેશના નિષ્ણાંતો અને ડોકટરો માને છે કે હજુ ઓછામાં ઓછા ૬ મહિના કોરોનાની રસી આવે તેમ નથી. તો શુ ત્યાં સુધી હાઇકોર્ટનું કામ ચાલુ ન કરવું?  મોટાભાગના  વકિલો હાઇકોર્ટ પુર્ણ રીતે કાર્યરત થાય તેવુ ઈચ્છે છે. હાઇકોર્ટનુ કામકાજ પરંપરાગત રીતે ચલાવવુ  કે વિડીયો કોન્ફરન્સીંગથી ચલાવવવુ   તે બાબતે હાઇકોર્ટે વકિલો પાસે ફોર્મ ભરાવી અભિપ્રાય માંગેલ તેની વિગતો શા માટે જાહેર કરાતી નથી?  હાઇકોર્ટ બારે મને સત્તર વખત પ્રમુખ બનાવ્યો છે તેથી મારે બોલવુ જરૂરી છે.(૩.૧૭)

(12:58 pm IST)