Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

એક આંખમાંથી 'કડકાઇ' અને બીજી આંખમાંથી 'કરૂણા' વહે છેઃ રેલ્વે પોલીસના આ છે બે રૂપ

કોરોના વાયરસ સંદર્ભેની કામગીરીમાં ગળાડૂબ હોવા છતા યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલતા ડ્રગ્સ ડીલરો સામે આકરી કાર્યવાહી કરવા સાથે, શ્રમીક ટ્રેન સહિતની ટ્રેનોમાં લાખો મજુરોને મોકલવા માટે રેલ્વે તંત્ર, કલેકટર તંત્ર, સ્થાનીક પોલીસ સહિતના તંત્ર સાથે એડીશ્નલ ડીજીપી સંજય શ્રીવાસ્તવ અને ડીઆઇજી ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ અભૂતપુર્વ  સંકલન કઇ રીતે સાધવામાં આવેલુ તેની આજ સુધી ભાગ્યે જ વાંચી હોય કે સાંભળી હોય તેવી રસપ્રદ કથા ગુજરાત રેલ્વેના એસપી નીલેશ જાજડીયાએ અકિલા સમક્ષ વર્ણવી.

રેલ્વે પોલીસ દ્વારા પીઆઇટીએન - ડીપીએસની કલમ હેઠળ પ્રથમ કેસ : મધ્યપ્રદેશની એ મજુર મહિલા ૩-૩ રાજયોમાં કેફી પદાર્થોની હેરફેર કરતી'તી : મથુરાબેનને કોરોના ટેસ્ટ પોઝીટીવ નિકળ્યો : સાજા થયે જેલમાં મોકલાશે

રાજકોટ, તા., ૬: રેલ્વે મારફત આંતર રાજય નશીલા પદાર્થોની હેરફેર રોકવા માટે ગુજરાત રેલ્વે પોલીસના વડાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી રણનીતિ મુજબ ચાલતા ચેકીંગ દરમિયાન મધ્યપ્રદેશના જાંબુવા પંથકને મથુરાબેન બારીયા પર૦૦ કિ.ગ્રા. કેફી પદાર્થ સાથે ઝડપાતા પ્રવર્તમાન  હાલના નિયમ મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવી પૂછપરછ હાથ ધરાતા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ તેની સામે ગુન્હા દાખલ થયાનું ખુલવા પામ્યું છે.

મધ્યપ્રદેશમાં મજુરી કામ કરતી હોવાનુ઼ જણાવનાર આ મહિલા મોટી ડ્રગ્સ ડીલર હોવાના પુરાવાઓ સાંપડતા જ એડીશ્નલ ડીજીપી સંજય શ્રીવાસ્તવ અને ડીઆઇજી ગૌતમ પરમાર સાથે ચર્ચા કર્યા બાદ રેલ્વે એસપી નિલેશ જાજડીયાએ પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો. રેલ્વે પોલીસ દ્વારા આ કલમ હેઠળ આવી કાર્યવાહી પ્રથમવાર કરવામાં આવી છે. આરોપી મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ જણાતા તેને વડોદરા એસએસજી હોસ્પીટલ ખાતે સારવારમાં મોકલવામાં આવેલ છે. સારવાર પુર્ણ થયે તેને પીઆઇટી  એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે.

અત્રે યાદ રહે કે નિલેશ જાજડીયા મહેસાણા એસપી હતા એ સમયે પણ કેફી પદાર્થો સામે વ્યાપક ઝુંબેશ ઉપાડી હતી અને  એક મહિલાને પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ તત્કાલીન ડીજી કક્ષાના સિનીયર આઇપીએસ આશિષ ભાટિયા સમક્ષ દરખાસત કરી જેલમાં મોકલી આપેલ.

સાડા ચૌદ લાખથી વધુ શ્રમીકોને વતનમાં મોકલવા માટે ગુજરાત રેલ્વે પોલીસની આવી હતી રણનીતી

રાજકોટ, તા., ૬: ગુજરાત રેલ્વે પોલીસ દ્વારા કેફી પદાર્થોના ડ્રગ્સ ડીલરો સામે સખ્તાઇથી કાર્યવાહી કરવા સાથે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પરપ્રાંતીય  મજુરો ૧૦૦૯ જેટલી ટ્રેનો મારફત વિવિધ રાજયોમાં ગયા, જેની સંખ્યા ૧૪,પર,૨૦૮ જેટલી હતી. આવડી મોટી સંખ્યામાં મજુરોને ટ્રેન મારફત મોકલવા માટે સાવધાની, સુરક્ષા અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પુરેપુરૂ પાલન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવવા સાથે મજુરોને કોઇ જાતની ભોજન સહિતની તકલીફ ન પડે તેની કાળજી રાખવા માસ્ટર પ્લાન ઘડાયેલો જે કાબીલેદાદ હતો.

ઉકત ભગીરથ કાર્ય માટે રેલ્વેના ડીઆરએમશ્રી, સ્ટેશન અધિક્ષક તથા આરપીએફના સિનીયર અધિકારીઓ, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા કલેકટરો, પોલીસ અધિક્ષકોની સાથે રહી સંકલન જાળવવામાં આવેલ. રેલ્વે સ્ટેશન પર મોટી ભીડને કારણે અવ્યવસ્થા ન સર્જાય તે માટે પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આટલી મોટી સંખ્યામાં શ્રમીકોને મોકલવાના હોય ત્યારે અને જે તે સમયનો શ્રમીકોનો મિજાજ વિગેરે બાબત ધ્યાને લઇ અન્ય લોકો સાથે કોઇ મતભેદ ન થાય કે કોઇ માથાકુટ ન સર્જાય તે માટે થાણા અમલદાર, શાખાના જવાબદાર અધિકારીઓ સાથે રોજેરોજ વિડીયો કોન્ફરન્સથી આયોજનની બારીકાઇ તપાસી સુચારૂ આયોજન ગોઠવવામાં આવેલ. અનિચ્છનિય બનાવો રોકવા તથા આ પરિસ્થિતિનો લાભ ઉગ્રવાદીઓ, નકસલવાદીઓ ન ઉઠાવે તે માટે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ વિગેરે સાથે એલસીબી અને એસઓજી અને બીજા ચુનંદા જવાનો સતત ખડેપગે રખાયેલા. ડે એન્ડ નાઇટના બંદોબસ્તમાં વિશેષ પોલીસ સ્ટાફ સતત તૈનાત કરવામાં આવેલ. ફરજને કારણે કોરોનાનો ભોગ બનેલા પોલીસ સ્ટાફ માટે ખાસ કાળજી લેવામાં આવી હતી. રેલ્વે પોલીસ દ્વારા ૨૨૩૨૦ ફુડ પેકેટો સામાજીક સંસ્થાઓની મદદથી આપવામાં આવેલ. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અશ્વીનભાઇ તળપદા (નડીયાદ) પરીવાર દ્વારા ર૦૦ લોકો માટે દરરોજ ભોજનની વ્યવસ્થા થઇ હતી તથા આણંદ રેલ્વે પોલીસના સોનલબેન ચૌધરી અને સોનલબેન પારગી તો સગર્ભા હોવા છતા કોરોના મહામારીમાં અભુતપુર્વ સેવાઓ આપી હતી તેમ રેલ્વે એસપી નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું.

(12:02 pm IST)