Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

૪૯૫ થી વધુ સફાઇ કોરોના વોરિયર્સનું ૧૯ પોલીસ મથકો દ્વારા વિશિષ્ટ બહુમાન

ગંદકીને કારણે કોરોના સંક્રમણ ફેલાતુ હોવાનું સારી રીતે જાણતા હોવા છતા પીછેહટ ન કરનારને ફુલડે વધાવાયા : અમદાવાદ(રૂરલ)ના એસપી રાજેન્દ્ર અસારીના વિચારને ડીવાયએસપી સમીર સારડા, ડીવાયએસપી કે.ટી.કામરીયાએ મૂર્તિમંત કર્યો

રાજકોટ, તા., ૬: કોરોના વાયરસની મહામારી વચ્ચે મેડીકલ સ્ટાફની માફક કોઇએ જાનના જોખમે ફરજ બજાવી હોય તો એ સ્ટાફ સફાઇ કર્મચારીઓ હતા. વાયરસનું સંક્રમણ ફેલાવવામાં ગંદકી અને અસ્વચ્છતા  વધુ જવાબદાર હોવાનું સારી રીતે જાણતા હોવા છતા 'કોરોના  વોરિયર્સ' તરીકે ઉમદા ફરજ બજાવનાર ૪૯૫ જેટલા સફાઇ  'કોરોના  વોરિયર્સ' નું અભુતપુર્વ બહુમાન  કરવાનો ગુજરાતમાં ભાગ્યે જ યોજાયો હોય તેવો સન્માન સમારોહ અમદાવાદ (રૂરલ) પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ  યોજાયો હતો.

અમદાવાદ (રૂરલ)ના પોલીસ અધિક્ષક રાજેન્દ્ર અસારીને વિચાર આવ્યો કે જાનના જોખમે ફરજ બજાવતા અને સંક્રમણ ફેલાવતી વસ્તુઓ હટાવવાનું જેમને કાર્ય કરવાનું છે તેઓને બિરદાવીએ તો તેમનો ઉત્સાહ વધે અને તેઓની પણ કદર કરનાર કોઇ છે તેવી લાગણી જન્મે, તેઓએ પોતાનો આ વિચાર ડીવાયએસપી સમીર સારડા અને ડીવાયએસપી કે.ટી.કામરીયા સમક્ષ રજુ કર્યો અને આમ ૧૯ પોલીસ સ્ટેશનો અને જીલ્લા ટ્રાફીક શાખા દ્વારા એક સાથે આવો સુંદર કાર્યક્રમ યોજાયો.

૪૯૫ સફાઇ કામદારોના સન્માન સાથે તેઓને વિશેષ સન્માનપત્ર આપવા સાથે ઉપસ્થિત તમામે ગુજરાત સરકાર દ્વારા અપાયેલ ૩ મંત્રો, હું માસ્ક પહેર્યા વગર બહાર નહી નિકળું, હું સોશ્યલ ડીસ્ટન્સીંગ  રાખીશ, દો ગજ દુરીની વાત ભુલીશ નહી અને દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇ સેનેટાઇઝ થઇશ. સામુહીક રીતે યોજાયેલ આવા અનોખા સન્માન સમારોહની નોંધ પોલીસ ભવન અને ગૃહ મંત્રાલય સુધી લેવામાં આવી છે.

(12:01 pm IST)