Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

આપણુ ધાર્યુ થાય તો હરિકૃપા, આપણુ ધાર્યુ ન થાય તો હરિઈચ્છા

સૌથી વધુ ૧૮ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવાનો રાજેન્દ્ર ત્રિવેદીનો વિક્રમ

પરબતભાઈ પટેલ, રતનસિંહ રાઠોડ અને હસમુખ પટેલ લોકસભામાં ચૂંટાવાથી ધારાસભામાંથી રાજીનામુ આપ્યુ, બાકીના કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાનું કારણ 'હૃદય' પરિવર્તન

રાજકોટ, તા. ૬ :. ગુજરાત વિધાનસભાની છેલ્લી ૨૦૧૭ની સામાન્ય ચૂંટણી પછી ગઈકાલ સુધીમાં ૧૮ ધારાસભ્યોના રાજીનામા આવ્યા છે. આ તમામ રાજીનામા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકારી નવો ઈતિહાસ સર્જયો છે. અઢી વર્ષના ગાળામાં રાજ્ય સરકાર સામે કોઈ કટોકટી ન હોય છતાં તબક્કાવાર ૧૮ ધારાસભ્યોના રાજીનામા પડયા હોય તેવુ પ્રથમ વખત બન્યુ છે. ગૃહના વર્તમાન અધ્યક્ષના કાર્યકાળમાં આ પ્રકારના સૌથી વધુ રાજીનામા સ્વીકારવાનો વિક્રમ નોંધાયો છે. અગાઉ વજુભાઈ વાળા ગૃહના અધ્યક્ષ હતા તે વખતે ૧૪ જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.

ભાજપના ૩ ધારાસભ્યો સંસદમાં ચૂંટાતા ૨૦૧૯માં રાજીનામા આપ્યા છે. જેમાં અમદાવાદના એચ.એસ. પટેલ, બનાસકાંઠાના પરબતભાઈ પટેલ અને પંચમહાલના રતનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. અન્ય તમામ રાજીનામા કોંગ્રેસી ધારાસભ્યોના છે. જેમાં કુંવરજીભાઈ બાવળિયા, જવાહર ચાવડા, વલ્લભભાઈ ધારોડીયા, પરસોતમ સાબરિયા, અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, જે.વી. કાકડીયા, આશાબેન પટેલ, મંગળભાઈ ગામીત, સોમાભાઈ પટેલ, પ્રવીણ મારૂ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જીતુ ચૌધરી, અક્ષય પટેલ અને બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. અત્યારે વિધાનસભાની ૮ બેઠકો ખાલી પડી છે.

રાજીનામા આપનાર પૈકી કુંવરજીભાઈ, જવાહર ચાવડા, પરસોતમ સાબરિયા, આશાબેન પટેલ ફરી ભાજપના સભ્ય તરીકે ચૂંટાયા છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પેટાચૂંટણી હારી ગયા છે. કહેવાય છે કે 'આપણુ ધાર્યુ થાય તો હરિકૃપા અને આપણુ ધાર્યુ ન થાય તો હરિઈચ્છા !'

(11:40 am IST)