Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સોમવારથી મંદિરો ખૂલશે : બપોરે ૧૨ વાગ્યાથી મુખ્યમંત્રીની રાજ્યભરના મોટા મંદિરોના ટ્રસ્ટીઓ સાથે વીસી

કેન્દ્ર સરકારની ત્રણ દિ' પહેલા આવેલ ગાઇડલાઇન બાબતે વિજયભાઇ પોતે વિગતો આપશે : સમસ્યાનું નિરાકરણ કરશે : રાજકોટ કલેકટર કચેરીમાં જગવિખ્યાત પૂ. જલારામ બાપાના મુખ્ય ગાદિપતી ખાસ વીસીમાં ભાગ લેશે : સોમનાથ મહાદેવ - અંબાજી મંદિર સહિત તમામ જિલ્લામાંથી મોટા મંદિરોના ટ્રસ્ટીઓ - ગાદિપતીઓને જે તે જિલ્લા કલેકટર તંત્રે વીસી માટે બોલાવ્યા

રાજકોટ તા. ૬ : સોમવારથી રાજકોટ સહિત રાજ્યભરના ધાર્મિક સ્થળો - મંદિરો - મહાદેવ તથા જગદંબાના વિખ્યાત મંદિરો, વિખ્યાત આશ્રમો, સંતો - મહંતોના મંદિરો ખૂલશે અને ધમધમશે, બરોબર ૭૫ થી ૮૦ દિવસ બાદ લોકો જે તે મંદિરોમાં જઇ માથુ ટેકવી દર્શન કરશે.

આ માટે કેન્દ્રના ગૃહખાતાએ ત્રણ દિવસ પહેલા મંદિરો કેમ ખોલવા તે અંગેની સ્પેશ્યલ ગાઇડલાઇન બહાર પાડી છે.

આ ગાઇડલાઇનના અનુસંધાને આજે બપોરે ૧૨ વાગ્યાથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દરેક જિલ્લાના મુખ્ય ધાર્મિક સ્થળોના ટ્રસ્ટી કે ગાદિપતી કે મુખ્ય મહંત - પૂજારી સાથે ખાસ વિડિયો કોન્ફરન્સ યોજી ખાસ માર્ગદર્શન આપશે, મંદિરોના વડાઓ પાસેથી સમસ્યા જાણશે, નિરાકરણ કરશે અને ગાઇડ લાઇન આપશે.

આ વીસી સંદર્ભે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા વિશ્વભરમાં વિખ્યાત અને અબજો લોકોની આસ્થા જેમાં સમાયેલી છે, તે વીરપુર જલારામ બાપાના મંદિરના મુખ્ય ગાદિપતીને ખાસ વીસીમાં બોલાવ્યા છે.

આવી જ રીતે અંબાજી મંદિર - સોમનાથ મહાદેવ સહિત દરેક જિલ્લામાં કલેકટરો દ્વારા પોતાના જિલ્લામાં આવેલા મોટા મંદિરોના ટ્રસ્ટીઓ - ગાદિપતિઓને વીસી માટે બોલાવ્યા છે. આ વીસી બાદ કલેકટર દ્વારા મંદિરો ખોલવા અંગે ખાસ જાહેરનામુ પણ બહાર પડનાર હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(11:40 am IST)