Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જ મેયરેનો જાહેર કાર્યક્રમ

હવે નારણપુરમાં યોજાયેલા કાર્યક્રમને લઈને વિવાદ : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મ્યુનિસિપલ કોર્પોરેેશન દ્વારા પાંચ લાખ તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ,તા. : પ્રસિદ્ધિની ભૂખ તો નેતાઓમાં જોવા મળતી હોય છે. કોઈ નેતાઓ વિવાદ સર્જીને પ્રસિદ્ધિ મેળવતા હોય છે તો કેટલાક લોકો સકારાત્મક કામ કરીને પ્રસિદ્ધિ મેળવતા હોય છે. આવો એક કિસ્સો અમદાવાદ શહેરમાં જોવા મળ્યો હતો. નારણપુરામાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલા એક ફ્લેટમાં મેયર બીજલબેન પટેલ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પર્યાવરણ દિન નિમિત્તે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (નો પણ અભાવ જોવા મળતા મેયર બીજલ પટેલની પ્રસિદ્ધિની ભૂખ જોવા મળી હતી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી શુક્રવારે પ્રતીકરૂપે માત્ર ૫૦ તુલસી રોપાનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને કરવામાં આવશે તેવું આયોજન કરાયું હતું. તુલસીનો છોડ પવિત્ર ગણાય છે.

           કોરોનાની મહામારીમાં તુલસીનો ઉપયોગ મોટાપાયે થઈ રહ્યો છે. તુલસીના છોડની ઉપયોગિતા હાલ અત્યંત વધી છે. આવા સમયે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન શુક્રવારે નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર બિજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જોકે ફ્લેટને એએમસી દ્વારા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવા છતાં અહીં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મેયર બીજલબેન દ્વારા કેરી મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે પણ અનેક લોકોની ભીડ ઉમટી પડી હતી. કાર્યક્રમમાં બીજલબેન દ્વારા તે સિવાયની કોઈ વાત કરવાનું કહી ચાલતી પકડી હતી. ત્યારે આજે યોજાયેલા કાર્યક્રમમાં બીજલબેનને પૂછતાં તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, મેયર સહિતના લોકોએ પાંચેક કુંડા વિતરણ કર્યા બાદ લોકો મોટી સંખ્યામાં આવી ગયા હતા અને તે લોકોને કુંડા મળતા ભારે ભીડ સર્જાઈ હતી.

(10:03 pm IST)