Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ગુજરાતમાં પહેલીવાર બાયોડીઝલ ટ્રેન દોડી :બાંદ્રા ભુજ એક્સપ્રેસને અમદાવાદથી ભુજ સુધી દોડાવાઈ

વટવા ડીઝલ શેડના 135 એન્જિનને બાયોડીઝલથી દોડાવવાનું આયોજન

 

 અમદાવાદ :રાજ્યમાં પહેલીવાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં દિવસે બાંદ્રા ભુજ એક્સપ્રેસને અમદાવાદથી ભુજ સુધી બાયોડીઝલનો ઉપયોગ કરી દોડાવી હતી. વટવા ડીઝલ શેડના 135 એન્જિનને આગામી સમયમાં બાયોડીઝલથી દોડાવવાનું આયોજન છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે રેલવેએ બાયોડીઝલનો ઉપયોગ શરૂ કર્યો છે.

  અંગે માહિતી આપતા રેલવે પ્રવક્તા પ્રદીપ શર્માએ જણાવ્યું કે, 'બાયોડીઝલથી એન્જિન દોડાવવા માટે 95 ટકા ડીઝલની સાથે જેટ્રોફા વનસ્પતિથી તૈયાર થતા બાયોડીઝલ 5 ટકા મિક્સ કરવામાં આવે છે. જેના માટે વટવા ડીઝલ શેડમાં જેટ્રોફા બાયોડીઝલ અને ડીઝલ મિક્સ કરવા માટે પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે.

   ડીઝલથી પર્યાવરણની અસર અંગે અભ્યાસ કરાઈ રહ્યો છે. ડીઝલથી વાતાવરણમાં ફેલાતા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ હોય છે જ્યારે બાયોડીઝલ યુક્ત ઇંધણથી પ્રમાણ ઘટી જાય છે. વટવા ડીઝલ શેડ પાસે કુલ 135 એન્જિન છે. જેમાંથી 87 એન્જિન મેઈન લાઈનના છે જેનાથી ટ્રેનો દોડાવવામાં આવે છે. જ્યારે 48 એન્જિન શંટિગ એન્જિન છે જે યાર્ડમાં કે ટ્રેક બદલવા માટે ઉપયોગમાં લેવાય છે. બાયોડીઝલ યુક્ત ઇંધણથી પહેલી ટ્રેન દોડાવાઈ છે. હવે તબક્કાવાર અન્ય ટ્રેનોમાં પણ બાયોડીઝલ યુક્ત ઇંધણનો ઉપયોગ કરવામાં આવશે.

(10:07 pm IST)