Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

RTEનો બીજો રાઉન્ડ કયારે ?: હજારો બાળકોના વાલીઓ ચિંતામાં

શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે, બીજી બાજુ પ્રવેશનાં ઠેકાણાં નથી

અમદાવાદ તા. ૬: ગરીબ અને વંચિત બાળકો માટે સરકાર દ્વારા રાજયભરની ખાનગી શાળાઓમાં કુલ બેઠકોના રપ ટકા બેઠકો પર ધો. ૧ માં વિનામૂલ્યે પ્રવેશની આરટીઇ અંતર્ગત નીતિનું અમલીકરણ થાય છે, પરંતુ તેમાં દર વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં તારીખોમાં ઠાગાઠૈયા થતા હોવાથી બાળકોનું ભણતર બગડવાનો ભય રહે છે. ૧૦ જૂનથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ રહ્યું છે છતાં બીજા રાઉન્ડની જાહેરાત હજુ સુધી થઇ ન હોવાના કારણે ૮૦,૦૦૦ બાળકોને પ્રવેશમાં અન્યાય થવાની શકયતા છે એટલું જ નહીં, ભણતર બગડવાના ભયથી વાલીઓ ખાનગી શાળાઓમાં એડમિશન લેવા માટે દોડી રહ્યા છે.

ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ બેઠક ક્ષમતાના રપ ટકા મુજબ કુલ ૧,૮૦,૦૦૦ બાળકોને પ્રવેશ લાયક ગણાયાં છે તેમાં પ્રથમ રાઉન્ડમાં ૯૯,૦૦૦ જેટલાં બાળકોને પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે, જેમાં કુલ લાયક આ બાળકો ૧૭,૦૦૦ હતાં એટલે પહેલા રાઉન્ડમાં જ ૧૮,૦૦૦ બાળકો પ્રવેશથી વંચિત રહ્યા છે.

હવે સોમવારથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ રહ્યું છે ત્યારે રાજયભરમાં કુલ ૮,૦૦૦ બાળકો પ્રવેશથી વંચિત છે, જેના વાલીઓ કાગડોળે બીજા રાઉન્ડના પ્રવેશ માટેની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. કેટલાક વાલીઓ હવે બાળકનું ભણતર બગાડવાના મૂડમાં ન હોય ખાનગી શાળામાં ફી ખર્ચીને પ્રવેશ મેળવવા મજબૂર થઇ રહ્યા છે.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અમાન્ય લઘુમતી શાળઓમાં કુલ ક્ષમતાના રપ ટકા મુજબ બાળકોને પ્રવેશ આપવાના મુદ્દે આદેશ કરાયો છે. આ બાબતને ધ્યાનમાં લઇ આ મુદ્દે પ્રાથમિકતા આપી વિભાગ દ્વારા તેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવી ૭૯ શાળાઓ છે. આ કામગીરી પૂર્ણ થયેલી વહેલી તકે બીજા રાઉન્ડ માટેના પ્રવેશની કાર્યવાહીની જાહેરાત કરવામાં આવશે.

(4:12 pm IST)