Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

હિંમતનગર પોલીસ હેડ ક્વાટર્સમાંથી ૨૦૦થી વધુ ચંદનના ઝાડનું લાકડું ગાયબ !!!

હિંમતનગર પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ આવાસનું નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે ૨૦૦ થી વધુ ચંદનના ઝાડનું લાકડુ પણ અદ્રશ્ય થઇ ગયું છે આઠેક વર્ષ અગાઉ તત્કાલીન ગૃહમંત્રી પ્રફુલ પટેલની આગેવાનીમાં વાવવામાં આવેલ ૨૦૦ થી વધુ ચંદનના રોપાઓને પોલીસ કર્મીઓએ પૂરી લાગણી અને પરિશ્રમથી ઉછેરી મોટા કરેલ વૃક્ષો પણ કપાઇ ગયા છે.

  બે-પાંચ ચંદનના વૃક્ષને બાદ કરતા મોટા ભાગનું ચંદનનું લાકડુ અન્યત્ર પગ કરી ગયુ છે અને હાલમાં આ ચંદનનો ચોર કોણ તેની ચર્ચાએ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે અને બે-પાંચ ચંદનના ઝાડની ચોરીનો ગુનો નોંધાય છે તો આટલી મોટી સંખ્યામાં ઝાડ કપાયા બાદ ચંદનનું લાકડુ વગે થવા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ તેવી ચર્ચાએ પણ જોર પકડ્‌યુ છે.

પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે કાપવામાં આવેલ વૃક્ષોની મંજૂરી અંગે સામાજીક વનીકરણ અને નોર્મલ રેન્જ વનવિભાગના બંને વિભાગ દ્વારા એક બીજા પર ઢોળવામાં આવી રહ્યુ છે. ડીસીએફ એ.એચ.ગઢવી એ જણાવ્યુ કે સાગ, સીસમ, ખેર, મહુડો અને ચંદન પાંચ વૃક્ષો માટે ખાસ મંજૂરી લેવી પડે છે અને સરકારી હોય તો તેના લાકડાની અપસેટ પ્રાઇઝ વનવિભાગ નક્કી કરે છે અને ત્યારબાદ તેનુ જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે.

(9:51 am IST)