Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઘેર-ઘેર કચરો એકઠો કરવાની યોજનાના અમલમાં ધાંધિયા

ડોર ટુ ડમ્પ યોજનાને લઇ ગૃહિણીઓમાં આક્રોશઃ કચરાની ગાડીઓ સમયસર આવતી નથી અને આવે છે તો પૂરતો સમય રોકાતી નથી : પરિપત્રના કારણે ઉહાપોહ

અમદાવાદ,તા. ૬: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા મ્યુુનિસિપલ તિજોરીમાંથી દર વર્ષે રૂ.૬૦ કરોડથી વધુ રકમ ઘરે ઘરેથી કચરો એકત્રિત કરીને પિરાણા ડમ્પ સાઇટ પર ઠાલવવાની ડોર ટુ ડમ્પ યોજના પાછળ ખર્ચાઇ રહી છે. તેમ છતાં તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને હેલ્થ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે ઠેર ઠેરથી વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે. ખાસ કરીને ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવાની યોજનાના અસરકારક અમલીકરણમાં અમ્યુકોના ધાંધિયાને લઇ ગૃહિણીઓ ભારે રોષે ભરાઇ છે અને તંત્ર પર આક્રોશ ઠાલવી રહી છે કે, કચરાની ગાડીઓ સમયસર આવતી નથી અને આવે છે તો પૂરતો સમય સુધી રોકાતી નથી. તંત્ર પાસે કચરાના એકત્રિતકરણ કે તેના નિકાલ માટેનું કોઇ ચોક્કસ આયોજન જ નહી હોવાનો રોષ નાગરિકો ઠાલવી રહ્યા છે.  તો બીજીબાજુ, નવા પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગના એક પત્રને લઇ ભારે ઉહાપોહ મચી ગયો છે. અમ્યુકોનો ડોર ટુ ડમ્પ પ્રોજેકટ એક પ્રકારે ગેટ ટુ ડમ્પ બનતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કચરાની ગાડીનો કોઇ વાર-સમય નિશ્ચિત ન હોઇ ગૃહિણીઓ માટે કચરાની ગાડીના ડ્રાઇવરની સિસોટીના અવાજની રાહ જોતી બેસી રહેવાના જાણે માઠા દિવસો આવ્યા છે. ડોર ટુ ડોરની કામગીરી માટેની કચરાની ગાડીનો રૂટ નક્કી કરાયો છે. આ રૂટ પરનાં સ્થળોને 'પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ' તરીકેની ઓળખ અપાઇ છે, પરંતુ આ સ્થળોએ કચરાની ગાડી પૂરતા સમય સુધી રોકાતી નથી તેેમજ અનેક સ્થળોને આવરી લેતી ન હોઇ ગૃહિણીઓ તોબા પોકારી ઊઠી છે. ખુદ શાસક ભાજપના કોર્પોરેટરોની ઉગ્ર રજૂઆતના પગલે તંત્ર દ્વારા 'પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ'નાં સ્થળોની સંખ્યા વધારવાનો તેમજ ઝોન દીઠ એક વોર્ડમાં થર્ડ પાર્ટી દ્વારા ડોર ટુ ડોરની કામગીરીનું ઇન્સ્પેક્શન કરાવાનો નિર્ણય લેવાયો છે. ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરની મનમાનીથી તે હવે ગેટ ટુ ડમ્પ પ્રોજેક્ટ બની ગયો છે. તાજેતરમાં પશ્ચિમ ઝોનમાં જે તે કોન્ટ્રાક્ટરની કચરાની ગાડી સોસાયટીમાં જતી ન હોઇ બારોબાર સોસાયટીના ગેટ પરથી કચરો ઉપાડાઇ રહ્યાનો મામલો ચગ્યો હતો. શાસક ભાજપના ટોચના હોદ્દેદારો દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવાઇ હતી. નવા પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં તો સ્થાનિક કોર્પોરેટર અને રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલને કોન્ટ્રાક્ટરના સ્ટાફ સાથે બોલાચાલી પણ થઇ હતી, જેના કારણે કોન્ટ્રાક્ટરનો સ્ટાફ હડતાળ પર ઊતર્યો હતો. બીજી તરફ ઘાટલોડિયાની ગૃહિણીઓએ વોર્ડ ઓફિસમાં કચરો ઠાલવીને રોષ વ્યકત કર્યો હતો. પરંતુ હવે તો નવા પશ્ચિમ ઝોનની અસંખ્ય સોસાયટીઓને હેલ્થ વિભાગ દ્વારા પત્ર પાઠવીને સોસાયટીનો કચરો ગેટ કે અન્ય એક જગ્યાએ એકત્ર કરવાની તાકીદ કરાઇ છે, પરંતુ તેનાથી ભારે ઊહાપોહ સર્જાયો છે, કેમ કે આ તાકીદથી સમગ્ર પ્રોજેક્ટ સત્તાવાર રીતે ગેટ ટુ ડમ્પ બન્યો છે. નવા પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગના પત્રમાં વધુમાં જણાવાયું છે કે જો સોસાયટી દ્વારા આવી વ્યવસ્થા ગોઠવી ન શકાય તેમ હોય તો જ્યારે કચરાની ગાડી સોસાયટીમાં આવે ત્યારે તમામ રહીશોએ પોતાનો કચરો ગાડીમાં આપી દેવાનો રહેશે. આ માટે ગાડીના ડ્રાઇવર દ્વારા ગાડી સોસાયટીની અમુક જગ્યાએ ઊભી રાખીને સિસોટી મારવામાં આવશે અને થોડો સમય રાહ જોવામાં આવશે. તંત્રના આવા પત્રથી સ્વાભાવિકપણે ગૃહિણીઓમાં ભારે રોષ ફેલાઇ ગયો છે, કેમ કે પત્રમાં કચરાની ગાડીના કોઇ નિશ્ચિત સમય કે વારનો ઉલ્લેખ કરાયો નથી. કચરાની ગાડી જે તે સ્થળે પાંચ મિનિટ પણ ઊભી રહેશે કે કેમ તેની જાણકારી આપવાની પણ તંત્ર દ્વારા તસ્દી સુધ્ધાં લેવાઇ નથી.

(11:02 pm IST)
  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • મોડીરાત્રે પૂર્વ કાશ્મીરમાં 5,1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ access_time 1:10 am IST

  • ભાવનગર બોરતળાવ ગઠેચી વડલા વિસ્તારમાં આવેલ લાલ ટાંકી પાસે કોળી અને દરબારના જૂથ વચ્ચે અથડામણ :ચાર લોકોને ઇજા ;ડી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો :બંને જૂથ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ access_time 10:17 pm IST