Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ગુજરાત રાજ્યના ૪૦૦ મોટા શહેરોમાં બહાર કચરો ફેંકવા ઉપર દંડાત્‍મક કાર્યવાહી માટે સરકાર વિચારાધિનઃ સાણંદમાં પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાનનું નેતૃત્વ શ્રમદાનથી કરતા વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમ્યાન રાજ્યમાં કચરાના ઢગલાઓ દૂર કરી સ્વસ્થ-તંદુસ્ત ગુજરાતના નિર્માણની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે.

વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી ૧૧ જૂથ દરમ્યાન રાજ્યમાં યોજાઇ રહેલા પર્યાવરણ સ્વચ્છતા અભિયાન તહેત મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદના સાણંદમાં માર્ગોની સફાઇ કરીને શ્રમદાન કર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એવો પણ સંકેત આ અવસરે આપ્યો કે, રાજ્યના ૪૦૦ જેટલા મોટા શહેરો-નગરોમાં કચરો બહાર ફેંકવા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર વિચારાધિન છે.

તેમણે કહ્યું કે, કોઇ પણ વ્યકિત જાહેરમાં કચરો ન ફેંકે તે માટેની સમજણ અને જનજાગૃતિ આ અભિયાન અંતર્ગત જગાવવામાં આવશે. પ૧ હજાર જેટલી શણની થેલીઓ –જ્યુટ બેગ્સનું વિતરણ પણ આ અભિયાનના સપ્તાહ દરમ્યાન કરાશે.

મુખ્યમંત્રીશ્રીએ સાણંદ નગરના બસમથક પાસે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરીને સાણંદ નગરપાલિકાના આ સ્વછતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને અન્યોને પણ તે માટેની પ્રેરણા પૂરી પાડવાની નિતાંત આવશ્યકતા સમજાવી હતી.     

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સાણંદ ઉદ્યોગને આધારે સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર બન્યું છે ત્યારે સાણંદની સ્વચ્છતાને પણ વિદેશના લોકો આવકારે તેવું ચોખ્ખુ ચણાક બનાવવું છે. સાણંદને સ્વચ્છ રાખવા માટે ૮ હજાર ડસ્ટબિનનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું તેની તેમણે પ્રશંસા કરી હરી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સ્વચ્છ ભારત મિશન ઉપાડ્યું છે તેને આગળ વધારતા ભારત સુસંસ્કૃત અને સ્વચ્છ દેશ છે તેવી છબી ઉજાગર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પ્લાસ્ટિક વિકાસનું મટિરિયલ છે પરંતુ ૫૦ માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટિક જળ, જમીન બગાડવા  સાથે  પર્યવરણ પણ બગાડે છે તેથી પ્લાસ્ટિકનો વિવેકપુર્ણ ઉપયોગ અનિવાર્ય છે. આજે નહી તો કાલે  આ પણ સમજવું પડશે. તો આજે જ તેની જરૂરિયાત સમજી શા માટે અમલ ન કરવો...?

તેમણે ઉમેર્યુ કે કચરો નહી હોય તો ગંદકીથી થતા રોગ પણ અટકશે અને સ્વચ્છ-તંદુરસ્ત ભાવિ પેઢીનું નિર્માણ કરી શકાશે. 

સાણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પરમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે પર્યાવરણ જાગૃતિ કોઈ વ્યક્તિગત જવાબદારી નથી પરંતુ આપણા સૌની સામુદાયિક જવાબદારી છે.  સાણંદના નગરજનોને પ્લાસ્ટિક મૂક્ત સાણંદ બનાવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

(6:14 pm IST)