Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સંભવિત પુર-વાવાઝોડા સામે સરકારે ૧૨૫૦ 'આપદા મિત્ર' તૈયાર કર્યા

૧૮ થી ૩૫ વર્ષના યુવાનોને અસરગ્રસ્તોના બચાવ-રાહત માટેની આધુનિક પ્રકારની તાલીમ આપવામાં આવીઃ એન.ડી.આર.એફ. સાથે સંકલન

રાજકોટ, તા. ૬ : ગુજરાત સરકારના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કુદરતી આપતિમાં લોકોને ઉપયોગી થવા માટે 'આપદા મિત્ર' યોજના હેઠળ ૧રપ૦ યુવક-યુવતિઓને બચાવ-રાહતની આધુનિક પ્રકારની તાલીમ આપી છે. આ વખતના ચોમાસામાં કયાંય જરૂર પડે તો તેનો પ્રથમ વખત ઉપયોગ થશે. એન.ડી.આર.એફ.ના જવાનોએ તાલીમ આપી સેવાભાવી યુવાનોને આપતિગ્રસ્તોની મદદ માટે તૈયાર કર્યા છે.

પુર, વાવાઝોડુ, ભૂકંપ જેવી કુદરતી આફતો વખતે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા ઇચ્છતા ૧૮ થી ૩પ વર્ષના યુવક-યુવતિઓને માનદ્ સેવાના ધોરણે તાલીમ આપવામાં આવી છે. ખરા સમયે લોકોને કઇ રીતે મદદ પૂરી પાડવી ? કઇ રીતે બચાવ કરવો ? તેની તાલીમ આપવામાં આવી છે. દરેક આપદા મિત્રને ચૌદ-ચૌદ દિવસની તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે.

બધાને ઓળખપત્ર અપાયા છે. સરકાર પાસે તેના નામ, સરનામા સંપર્ક નંબર સહિતનો કોમ્યુટરાઇઝ રેકોર્ડ છે. તાલીમમાં જિલ્લાવાર પસંદગી કરવામાં આવી હોવાથી જયાં જરૂર પડે ત્યાં નજીકના સ્થળેથી આપદા મિત્રને મોકલાશે. ફાયર બ્રિગેડ નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ એસ.આર.પી. વગેરેની સાથે આપદા મિત્રની કામગીરી પૂરક બનશે. સરકાર હજુ વધુ આપદા મિત્ર તૈયાર કરવા માંગે છે.

(4:32 pm IST)