Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ગુજરાત સરકાર સવર્ણો માટે ટૂંક મયમાં જ જાહેર કરશે ૨૫ યોજનાઓ

યોજનાનો લાભ લેવા આવક મર્યાદા ૬-૮ લાખ : લાભ લેવા માટે સવર્ણ જાતી પ્રમાણપત્ર જરૂરી : જેમને કોઇ લાભ નથી મળતો તેમને મળશે લાભ

નવી દિલ્હી તા. ૬ : આગામી બે દિવસમાં ગુજરાતના આર્થિક પછાત સવર્ણો માટે રાજય સરકાર ૨૫ જેટલી જુદી જુદી લાભદાયક યોજનાઓ જાહેર કરવાની તૈયારીમાં છે. દેશના અન્ય આરક્ષણ ધરાવતા સમાજની જેમ જ સવર્ણો પૈકી જેઓ આર્થિક રીતે નબળી પરીસ્થિતિના છે અને તેના કારણે આજના સ્પર્ધાત્મક યુગમાં પાછળ રહી જાય છે. તેમના માટે SC,ST અને OBCને મળતા લાભો જેવા જ લાભ આપતી યોજનાઓ શરૂ કરવામાં આવશે. પાટીદાર આંદોલન બાદ ચૂંટણી પહેલા ભાજપે કરેલી જાહેરાત અનુસાર રાજય સરકારે થોડા દિવસો પહેલા નોન-રીઝર્વ્ડ કાસ્ટ વેલફેર કમિશનની રચના કરી હતી. આ કમિશને પોતાનો પહેલો રીપોર્ટ સરકારને સુપરત કરતા સવર્ણો માટે કેવા પ્રકારના કલ્યાણકારી પગલા લેવા જોઈએ તેની ભલામણ કરી છે.

રાજય સરકારે આ માટે રૂ.૫૩૨ કરોડ તાજેતરના બજેટમાં ફાળવ્યા છે. રાજયના સામાજીક કલ્યાણ અને ન્યાય વિભાગના પ્રધાન ઇશ્વર પરમારે કહ્યું કે, 'રાજય સરકારે આ યોજનાઓની અસરકર્તા તારીખ ૧ એપ્રિલ ૨૦૧૮ નક્કી કરી છે. જેથી ત્યાર બાદ જે પણ સવર્ણ વિદ્યાર્થીએ એપ્લાય કર્યું હશે તે લાભને પાત્ર રહેશે.' તેમણે વધુમાં કહ્યું કે, 'કેબિનેટ ટૂંક સમયમાં જ આ યોજનાના લાભ માટે આવક મર્યાદાનો માપદંડ નક્કી કરશે. જે લગભગ ૬-૮ લાખની મર્યાદામાં રહી શકે છે.'

ઓકટોબર ૨૦૧૭માં સરકારે સવર્ણ જાતી કલ્યાણ બોર્ડની જાહેરાત કરી હતી. જેના માટે સરકારે ગત વર્ષે રુ.૫૦૦ કરોડનું ફંડ પણ ફાળવી આપ્યું હતું. જોકે આ ગ્રાન્ટનો કોઈ ઉપયોગ થયો નહોતો. જયારે તાજેતરમાં જ સરકારે આ યોજનાઓનો લાભ લેવા માટે જરુરી સવર્ણ જાતી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે ડેઝિગ્નેટેડ સરકારી અધિકારીઓને સત્તા આપતો જીઆર ઇશ્યુ કર્યો હતો.

૩૦મીના રોજ સરકાર દ્વારા જાહરે કરવામાં આવેલ આ જીઆર મુજબ સરકારે સવર્ણ જ્ઞાતિમાં એ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે જેમને SC,ST કે પછી સમાજીક અને આર્થિક પછાત જાતિમાં સમાવેશ નથી થતો. તેમજ આ જાતીઓને મળતા કોઈપણ વિશેષ લાભ તેમને નથી મળતા.(૨૧.૮)

આ હોઈ શકે છે સવર્ણો માટે સરકારની યોજના

. મફત અથવા સરકારી ગ્રાન્ટ દ્વારા ચલાતી બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ . સ્વરોજગાર માટે આર્થિક મદદ અથવા સોફટ લોન . વિદેશ અભ્યાસ માટે એજયુકેશન લોન . લગ્ન માટે નાણાંકીય સહાયતા . મહિલાઓ માટે આર્થિક કલ્યાણ યોજનાઓ . આર્થિક પછાત માટે પેન્શન યોજના . લઘુ લોન . મેડિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય પ્રોફેશનલ કોર્સિસ માટે આર્થિક સહાયતા . ઘર બનાવવા સહાયતા . સરકારી નોકરી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ

(12:12 pm IST)