Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ગુજરાતમાં ૧૦ થી ૧૩ જૂન વચ્ચે મેઘરાજાની વિધિવત પધરામણી

ગુજરાત - મહારાષ્ટ્ર - મધ્યપ્રદેશ - છત્તીસગઢ અને ઓરીસ્સામાં ૯૯ ટકા વરસાદની આગાહી કરતું હવામાન ખાતુઃ આવતા ૪૮ કલાકમાં મહારાષ્ટ્રના ૮૦ ટકા, આંધ્ર, તામિલનાડુ અને આસામના ૭૦ ટકા વિસ્તારો કવર કરી લેશે : તા.૭ થી ૯ મુંબઈમાં ભારે વરસાદ પડશે : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આજથી વિસ્તારો વધતા જશે

ગાંધીનગરઃ રાજયમાં ૧૦દ્મક ૧૩ જૂનની વચ્ચે મેઘરાજાની વિધિવત પધરામણી થઈ જશે તેમ ગાંધીનગરમાં મળેલી વેધર વોચ કમિટીની બેઠક બાદ હવામાન વિભાગના ડાયરેકટરે જણાવ્યું હતું  હવામાન વિભાગ મુજબ રાજયમાં આ વખતે ચોમાસુ વહેલું શરૂ થવાની સંભાવના છે.સાથે આ વખતે ચોમાસુ સારુ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી આપી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્ત્।ીસગઢ અને ઓરિસામાં આ વખતે ૯૯ ટકા વરસાદ થવાની આગાહી છે.

ચોમાસા પહેલા દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વેધર વોચ કમિટીની બેઠકમાં આરમી, NDRF, SDRF, કૃષિવિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. અધિકારીઓનું માનીએ તો રાજયમાં હાલ NDRFની ૧૧ ટીમ કાર્યરત છે. જેમાંથી અમદાવાદ, વડોદરા, અને ગાંધીનગરમાં ટીમને તૈનાત કરવામાં આવી છે.

દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતા ૪૮ કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રના ૮૦ ટકા, આંધ્ર, તામિલનાડુ અને આસામના ૭૦ ટકા વિસ્તારો કવર કરી લેશે. જયારે તા.૭ થી ૯ દરમિયાન મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જયારે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આજથી લગભગ દરરોજ કોઈને કોઈ જગ્યાએ પ્રિમોન્સૂન વરસાદ વરસતો રહેશે. વિસ્તારો વધતા જશે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ સંભાવના રહેલી છે.

રાજકોટની વાત કરીએ તો શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં આંશિક ઘટાડો તો થયો છે પરંતુ અસહ્ય ઉકળાટ બફારો પ્રવર્તી રહ્યો છે. લોકો પરસેવે નીતરી રહ્યા છે. પશુ પંખીઓની હાલત પણ દયનીય બની છે.

મુંબઇ તા. ૬ : મંગળવારના રોજ ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ વેધર વોચ ગ્રુપ(SWWG)ની મીટિંગમાં અનુમાન લગાવવામાં આવ્યું કે ગુજરાત રાજયમાં ૧૦મી જૂનથી વરસાદની એન્ટ્રી થશે.

IMD ગુજરાતના ડિરેકટર જયંત સરકારે SWWGને વહેલું ચોમાસું આવે તેની સંભાવના વિષે જાણ કરી હતી. સામાન્ય રીતે ગુજરાતમાં ૧૫મી જૂનથી ચોમાસું શરુ થાય છે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જયંત સરકારે કહ્યું કે, અરબ સાગરમાં સર્જાઈ રહેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકિનારાના વિસ્તારો જેમ કે ભાવનગર, અમરેલી, પોરબંદરમાં ૩-૪ દિવસ સુધી સારો વરસાદ પડવાની શકયતા છે. ઉત્ત્।ર ગુજરાતમાં શરુઆતમાં સામાન્ય વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની શકયતા ઓછી છે.

SWWGનું નેતૃત્વ કરતા સતિષ પટેલે જણાવ્યું કે, ચોમાસા દરમિયાન થતી ઘટનાઓને પહોંચી વળવા માટે બચાવ અને રાહત કાર્યોની દરેક જરુરી તૈયારી રાજય દ્વારા કરવામાં આવી છે. અમે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના સતત સંપર્કમાં છીએ. કંટ્રોલ રૂમ પણ એકિટવ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગુજરાતમાં એવરેજના ૧૧૨.૧૮ ટકા વરસાદ પડ્યો હતો.

 

(11:55 am IST)