Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગ પર અકસ્માતની ઘટનામાં ભરખમ વધારો:દહેગામના બબલપુર નજીક હિટ એન્ડ રન: મુવાડાના બાઈક સવારનું ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામના બબલપુરામાં હીટ એન્ડ રનની ઘટનામાં જોરાજીના મુવાડાના યુવાનનું મોત નીપજયું હતું. જયારે કડી છત્રાલ હાઈવે ઉપર કારની અડફેટે વૃધ્ધાનું પણ મોત થયું હતું. ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે તલોદના જોરાજીના મુવાડા ખાતે રહેતો યુવાન કરણ મહોબતસિંહ ઝાલા તેનું બાઈક નં.જીજે-૦૯-સીડી-ર૪૧૪ લઈને ખેતરે તેના પિતા મુકવા માટે ગયો હતો. જયાંથી પરત ફરતાં સમયે દહેગામના બબલપુરા પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહને તેના બાઈકને અડફેટે લેતાં કરણને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ ઉપર તેનું મોત નીપજયું હતું. ઘટના અંગે રખિયાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ કડી-છત્રાલ રોડ ઉપર ગોપાલકાંટા પાસે અકસ્માતની ઘટનામાં વૃધ્ધાનું મોત નીપજયું હતું. અંગે અંકિત ઈશ્વરભાઈ વાદીએ ફરીયાદ નોંધાવી હતી કે ગઈકાલે તેઓ ઘરે હાજર હતા તે દરમ્યાન તેમના ઘર પાસે એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ત્યાં પહોંચતાં રોડ ઉપર તેમની માતા ૬૦ વર્ષીય ગંગાબેન ઈશ્વરભાઈ વાદી ઘાયલ અવસ્થામાં હતા. જેથી તાત્કાલિક તેમને સારવાર માટે કલોલ અને ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. ઘટના અંગે કલોલ તાલુકા પોલીસે જીજે-૦૯-બીએ-૨૮૮૯ નંબરની કારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. 

(5:28 pm IST)