Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલના પ્રયાસોથી જિલ્લાને ઓક્‍સીજનનો જથ્‍થો પૂરતા પ્રમાણમાં ફાળવાયો: :ઓક્‍સીજન સુવિધા સાથે રેલવેના કોચમાં સારવાર અપાશે

ઓક્‍સીજન બેડ ખાલી નથી, દર્દીઓને દાખલ કરશે નહીં' એવા પ્રકારની ભ્રામક અને ભયજનક જાહેરાતો તેમજ નકારાત્‍મક બાબતોથી દૂર રહેવા હૃદયપૂર્વક અપીલ કરતા જિલ્લા કલેકટર રાવલ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : કોરોનાનો કહેર માત્ર વલસાડ કે વાપી પૂરતો નહીં પણ વિશ્વવ્‍યાપી છે અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્‍યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહેલ છે. એટલું જ નહીં, મોટે ભાગે ઓક્‍સીજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્‍યા વધતી જાય છે. એટલે સ્‍વાભાવિક રીતે ઓક્‍સીજનની જરૂરિયાત પણ વધવાની. વલસાડ જિલ્લામાં બે દિવસ પહેલા વાપીમાં ઓક્‍સીજનનો પૂરતો જથ્‍થો મળતો ન હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લાતંત્ર દ્વારા ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરતાં એ હકીકત સામે આવી છે કે, જિલ્લામાં હોસ્‍પિટલો દ્વારા આપેલ મંજૂરી કરતાં પણ વધારે સંખ્‍યામાં ઓક્‍સીજન બેડ ચાલુ કરવામાં આવે છે. એટલું જ નહીં,  ઘણી એવી હોસ્‍પિટલો પણ ધ્‍યાને આવી છે કે, જેઓએ વહીવટીતંત્રને જાણ કર્યા સિવાય ઓક્‍સીજન વાળા કોવિડ બેડ ચાલુ કર્યા છે અને તંત્રની ધ્‍યાન બહાર કે જાણ બહાર કોવિડ બેડ તથા ઓક્‍સીજન બેડ વધારતાં રહયા પછી સ્‍વભાવિક રીતે તેઓને જથ્‍થાની ફાળવણી સો ટકા કરવી શક્‍ય ન બને. માનવતાની દ્રષ્‍ટિએ કે સેવાભાવની દ્રષ્‍ટિએ કોવિડના દર્દીઓની સારવાર કરવી કે ઓક્‍સીજનની સારવાર આપવી એ સંપૂર્ણ સરાહનીય છે, પરંતુ નિયમોનું પાલન ન કરવું કે નિયમોની અવગણના કરવી એ પણ એટલી ગંભીર બાબત ગણાય. જિલ્લામાં આવુ તંત્રની જાણ બહાર કે તંત્રને ધ્‍યાન દોર્યા સિવાય જે બેડ વધારવામાં આવ્‍યા છે એની સંખ્‍યા પણ ઘણી બધી છે. આંકડાકીય દ્રષ્‍ટિએ કહીએ તો આજની તારીખે કુલ ૧૨૧૭ દર્દી ઓક્‍સીજન બેડ પર સારવાર લઈ રહયા છે, જેની સામે તંત્રની જાણ કરાયેલ દર્દીઓની સંખ્‍યા ૯૯૪ છે. એ જ રીતે કુલ હાલ ૭૪ હોસ્‍પિટલોમાં કોવિડ દર્દીને સારવાર અપાય છે, જેમાં તંત્રની માત્ર ૪૭ હોસ્‍પીટલોએ જ મંજૂરી મેળવી હતી, તે બાદ નવી ૨૭ હોસ્‍પિટલોમાં સારવાર શરૂ થઇ છે. એ જ રીતે ૪૭ પૈકીની ૧૬ ખાનગી હોસ્‍પિટલો એવી છે કે જેમણે પોતાની બેડની મંજૂર સંખ્‍યા ઉપરાંત દર્દીની ભરતી કરી છે. જેની ટકાવારી જોઈએ તો ૧૦૦ ટકાથી લઈ મહત્તમ ૪૬૪ સુધી દર્દીઓને દાખલ કર્યા છે. સ્‍વભાવિક રીતે સરકારમાં જે ઓક્‍સીજન બેડની વિગતો ગઈ હોય એમાં જે તે વખતે આ બેડની ગણતરી ન થવાના કારણે પર્યાપ્‍તપ્તમાત્રામાં જથ્‍થો મેળવી શકાય નહીં તેવું કારણ સ્‍પષ્‍ટ થાય. આમ છતાં જિલ્લાની ઓક્‍સીજનની જરૂરિયાત જોતાં અને ઓક્‍સીજન મેળવતા દર્દીઓની સુખાકારી માટે વલસાડ જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ દ્વારા આ બાબતે સરકારમાં ઉચ્‍ચ કક્ષાએ રજુઆતો કરીને વલસાડ જિલ્લાને સરેરાશ જથ્‍થો મળી રહે એ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. જેથી ફળશ્રૃતિ સ્‍વરૂપે છેલ્લા બે દિવસની વાત કરીએ તો તા.૦૩/૦૫/૨૦૨૧ ના રોજ સિવિલ હોસ્‍પિટલમાં ૧૧.૭૩ ટન અને પ્રાઈવેટ હોસ્‍પિટલમાં ૧૭.૪૯ ટન જથ્‍થો એટલે કે કુલ ૨૮.૨૨ ટન જથ્‍થો મળેલ છે. એ જ રીતે તા.૦૪/૦૫/૨૦૨૧ ના રોજ સરકારી હોસ્‍પિટલમાં ૧૧.૫ ટન અને પ્રાઈવેટ હોસ્‍પિટલમાં ૧૯.૨૮ ટન આમ કુલ ૩૦.૩૩ ટન ઓક્‍સીજન પૂરો પાડવામાં આવ્‍યો છે, જે પર્યાપત માત્રા બતાવે છે. વધુમાં તા.૧લી મે ના દિવસે જિલ્લા કલેક્‍ટર શ્રી રાવલની વિશેષ રજુઆતથી ૧૦ ટન અને તા. ૪થી મે ના રોજ ૯ ટનનો બુસ્‍ટર ડોઝ રૂપે વિશેષ જથ્‍થો વલસાડને મળ્‍યો છે. જે જોતાં દૈનિક ૧૨ ટનની સરેરાશ સંપૂર્ણ રીતે જળવાઈ રહી છે. એટલું જ નહીં, સરકાર કક્ષાએથી તથા જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ દ્વારા દમણ પ્રશાસન સાથે સતત સંપર્ક કરવામાં આવતાં રોજના ૫૦ સિલિન્‍ડર ગેસનો જથ્‍થો દમણથી વલસાડ જિલ્લાને મળતો શરૂ થઈ ગયો છે અને ક્રમશઃ તેમાં વધારો કરવામાં આવશે. વધુમાં કલેકટર રાવલ અને જિલ્લાના પદાધિકારીઓના પ્રયાસોથી આવતીકાલથી રિલાયન્‍સ તરફથી પણ ૮ ટનનો જથ્‍થો વલસાડને ખાસ કિસ્‍સામાં ફાળવવામાં આવશે.એટલું જ નહીં, જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ દ્વારા આજે રેલવેના એ.આર.એમ.શ્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને જિલ્લાના સાંસદ ડો.કે.સી.પટેલની મધ્‍યસ્‍થીથી રેલવેના પાંચ કોચની કોવિડ બેડ તરીકે ઉપયોગ કરવા માંગણી કરવામાં આવી છે. આ પાંચ કોચમાં કુલ ૮૦ બેડ ઓક્‍સીજનની સુવિધા સાથે શરૂ કરવા વહીવટી તંત્રએ હકારાત્‍મક પ્રતિસાદ આપ્‍યો છે, એ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે.
 રાવલ દ્વારા ઓક્‍સીજન નથી કે ઓક્‍સીજન બેડ ખાલી ન હોય, દર્દીઓને દાખલ કરશે નહીં એવા પ્રકારની ભ્રામક અને ભયજનક જાહેરાતો કરી અનાવશ્‍યક રીતે દર્દીઓમાં કે દર્દીઓના સગા સંબંધીઓમાં ભયનું વાતાવરણ પેદા થાય અને તેઓમાં માનસિક દબાણ ઊભું થાય એવી નકારાત્‍મક બાબતથી દૂર રહેવા હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે. કોઈપણ સમસ્‍યાનું સ્‍થાનિક તંત્ર સાથે સમાધાન શોધવાના માનવીય અને હકરાત્‍મક પ્રયાસો કરવા સહુને હૃદય પૂર્વક અનુરોધ કર્યો છે.

(9:47 pm IST)