Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

યાત્રાધામ બોર્ડમાં અન્ય ધર્મોને સમાવવા પ્રશ્ને જવાબ મંગાયો

૧૪મી જૂન સુધીમાં સોગંદનામું રજૂ કરવા હુકમ : ખ્રિસ્તી, ઇસ્લામ, પારસી, બૌધ્ધ સહિતના અન્ય ધાર્મિક સ્થાનો અને યાત્રાધામોને સામેલ કરવાને લઈને રજુઆત

અમદાવાદ,તા. ૬ : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં હિન્દુ તીર્થ સ્થાનો અને ધાર્મિકસ્થળો ઉપરાંત, અન્ય ધર્મના પવિત્ર સ્થળો અને યાત્રાધામોને સામેલ કરી તે મુજબના જરૂરી લાભો તેઓને પણ જારી કરવા ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકારને આગામી તા.૧૪મી જૂન સુધીમાં જરૂરી સોગંદનામું રજૂ કરી જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સમગ્ર કેસની સુનાવણી હવે ઉનાળુ વેકેશન બાદ તા.૧૪મી જૂને મુકરર કરી હતી.

 ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના લાભો અને જોગવાઇમાં મોટાભાગે હિન્દુ ધર્મસ્થાનો અને યાત્રાધામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેથી તેના લાભો અને યાત્રિકો સંબંધી ફાયદાઓ હિન્દુ ધર્મના લોકો પૂરતા મર્યાદિત અને સીમિત રહી જાય છે. હિન્દુ ધર્મના જ માત્ર ૩૫૮થી વધુ ધાર્મિક સ્થાનોનો આ યાદીમાં સમાવેશ થાય છે. જેની સામે ખ્રિસ્તી, ઇસ્લામ, પારસી, બૌધ્ધ સહિતના અન્ય ધાર્મિક સ્થાનો અને યાત્રાધામોને આ યાદીમાં સામેલ કરાયા ના હોઇ તેના લાભો આ અન્ય ધર્મના ધાર્મિકસ્થળો તેમ જ યાત્રાધામો અને તે ધર્મના યાત્રિકો સુધી પહોંચી શકતા નથી. બિનસાંપ્રદાયિક દેશમાં રાજય સરકાર તરફથી કોઇ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના  પૈસાની ફાળવણી કરવી એ કોઇપણ રીતે યોગ્ય ના કહી શકાય. ધર્મના આધારે આ પ્રકારની નાણાંકીય જોગવાઇ કે આર્થિક ફાળવણી ગેરબંધારણીય કહી શકાય. રાજય સરકારે જો યાત્રાધામોનો વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામોનો પણ વિકાસ કરવાની જવાબદારી પણ સરકારની જ બને છે. આ સંજોગોમાં રાજય સરકારે અન્ય ધર્મના યાત્રાધામોને પણ બોર્ડની યાદીમાં સમાવિષ્ટ કરી એકસમાન ધોરણે જરૂરી લાભો આપવા જોઇએ એ મતલબની દાદ પણ અરજીમાં માંગવામાં આવી હતી.

(9:44 pm IST)