Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કાલે ભાજપના સ્થાપના દિવસની ગુજરાતના તમામ ભાજપ કાર્યાલય ખાતે કરાશે ઉજવણી

પીએમ મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા વર્ચ્યુઅલ સભાથી કાર્યકર્તાઓને સંબોધશે:મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દાંડી સમાપન સમારોહમાં હાજરી આપશે

અમદાવાદ : કાલ તા.6ઠ્ઠી એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસે ગુજરાતના પ્રદેશ કાર્યાલય ઉપરાંત રાજયના તમામ મહાનગરો તથા જિલ્લા, તાલુકા કાર્યાલય ખાતે તથા વિવિધ સ્થળોએ સવારે 9-30 વાગ્યે પક્ષના ધ્વજનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારબાદ દેશના વડાપ્રધાન મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સવારે 10 વાગ્યે વર્ચ્યુઅલ સભાથી કાર્યકર્તાઓને સંબોધશે. વકતવ્યને બધાં એકસાથે સાંભળશે.

આ અંતર્ગત યોજનારા કાર્યક્રમોમાં ભાજપના પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. 6ઠ્ઠી એપ્રિલથી શરૂ થનારા આ કાર્યક્રમો 14મી એપ્રિલ બાબાસાહેબ આંબેડકર જયંતિ સુધી સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ પ્રજાલક્ષી સેવાકીય કાર્યક્રમો થકી યોજાશે. જો કે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આવતીકાલે દાંડીકૂચના સમાપન સમારોહમાં હાજરી આપવાના હોવાથી આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. જેથી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા તથા કડી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.

પ્રદેશ મીડીયા કન્વીનર ડો. યગ્નેશ દવેએ જણાવ્યું છે. રાજયના દરેક મહાનગરો તેમજ જિલ્લા તથા તાલુકાના ભાજપના કાર્યાલય ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ શહેરના નિકોલ વોર્ડમાં પક્ષના ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા, બાપુનગર ખાતે પ્રદેશ મંત્રી મહેશ કસવાલા, એલીસબ્રીજ પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ અને મણિનગર ખાતે પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ હાજર રહેશે.

જયારે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ તથા મંત્રી યોગેશ પટેલ ઉપરાંત સુરત શહેરમાં પ્રદેશ ઉપપ્રમુખ જનક કાછડીયા અને રાજકોટ શહેરમાં પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્યની હાજર રહેશે. જયારે ગાંધીનગરના તમામ 11 વોર્ડમાં ભાજપ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં વોર્ડ દીઠ ભાજપના આગેવાનો જેમ કે પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ચુંટણી ઇન્ચાર્જ અમીત ઠાકર, પૂર્વ સાંસદ શંભુનાથ ટુંડીયા, સાંસદ ડો. કિરીટ સોંલકી, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયસભાના સાંસદ નરહરિ અમીન, મંત્રી ઇશ્વરસિંહ પટેલ, મંત્રી જવાહર ચાવડા, મંત્રી આર.સી. ફળદુ તેમ જ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તેમ જ મંત્રી વાસણ આહીર હાજર રહેશે.

 

(10:42 pm IST)