Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મહિલા તબીબને રંજાડગતિ કરનારા પાડોશીની ધરપકડ

ડોકટરો-નર્સને હેરાનગતિ કરનારા સામે પગલા : ડોકટરો કે નર્સ સહિતના સ્ટાફને આડોશ-પાડોશના લોકો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતાં કરાયેલી ફરિયાદ

અમદાવાદ,તા. ૬ : સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને નવી સિવિલિ હોસ્પિટલની મહિલા ડોક્ટર અને પાડોશીઓ વચ્ચે થયેલો ઝઘડો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા ડોક્ટરે પાડોશી પર કોરોના બાબતે ધમકાવતા હોવાનો આક્ષેપ કરી વીડિયો વાઈરલ કર્યો હતો. ત્યારબાદ અડાજણ પોલીસ દ્વારા પાડોશી યુવકની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પાડોશી યુવકની પત્નીએ તમામ આરોપો નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે, મહિલા ડોક્ટરે આખી વાત ગેર માર્ગે લઈ જઈ તેમના પતિની ખોટી રીતે કસ્ટડી કરાવી છે. બીજીબાજુ, રાજયમાં આ પ્રકારે કોરોના મહામારીના આપતિભર્યા સમયમાં દર્દીઓની દેવદૂત બની સારવાર કરતાં ડોકટરો કે નર્સ સહિતના સ્ટાફને આડોશ-પાડોશના લોકો કે નાગરિકો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતાં હોવાની ગંભીર ફરિયાદો સરકારને મળતાં હવે રાજય સરકારે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને હવે જો આ પ્રકારે કોઇપણ નાગરિક દ્વારા આવા ડોકટરો, નર્સ કે સ્ટાફને હેરાનગતિ કરાશે તો તેવા તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલવાની ચીમકી ઉચ્ચારી છે.

                સુરતના અડાજણ સંજીવકુમાર ઓડિટોરિયમની બાજુમાં રાજહંસવ્યુમાં રહેતી નવી સિવિલની મહિલા ડોકટર સંજીવની પાનીગ્રહીને તેના પડોશી ચેતન મહેતા કહ્યું કે તમે હોસ્પિટલમાં નોકરી કરો છો તો તમને કોરોના તો નથી ને એવું કહી શનિવારે ધમકાવવા હોવાનો આરોપ મૂક્યો હતો. રવિવારે સાંજે ચેતન મહેતાની પત્ની તેના ફલેટ પાસેથી જતી હતી તે સમયે મહિલા ડોકટરે પાળેલું ડોગી ભસવા લાગ્યું હતું. જેથી ચેતનની પત્નીએ બૂમાબૂમ કરી માથાકૂટ કરવા લાગી હતી. જોતજોતામાં ચેતન મહેતા પણ ત્યાં આવી ગયો હતો અને તેણે મહિલા ડોકટર સાથે ઝધડો કરવા લાગ્યો હતો. મહિલા ડોકટરે પડોશી ચેતન મહેતાનો ઝઘડો કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. મહિલા ડોકટરે ઘારાસભ્યને જાણ કરી હતી. જેથી અડાજણ પોલીસ ત્યાં દોડી આવી હતી. અડાજણ પોલીસે ડોકટરની ફરિયાદ લઈ ચેતન મહેતાની સામે અટકાયતી પગલા લીધા હતા. કૂતરાને લઈ થયેલા ઝઘડાને ડોક્ટર કોરોના વાઇરસ સુધી લઈ ગયા હોવાનું પોલીસ કસ્ટડીમાં બંધ ચેતનભાઈની પત્નીએ જણાવ્યું છે. ૨૫મી માર્ચના રોજ થયેલા ઝઘડા બાદ ફરી ડોક્ટરનું શ્વાન તેમની ઉપર એટેક કરતા બુમાબુમ કરવી પડી હતી અને તેમના પતિ ચેતનભાઈ દોડી આવ્યા બાદ શ્વાન ડોક્ટરના ઘરમાં ઘૂસી ગયો હતું એટલે મારા પતિએ પાડોશી ડોક્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડોક્ટરે આખી વાતને કોરોના વાઇરસ ઉપર લઈ ગઈ હતી. જેથી આખું કોમ્પ્લેક્ષ ભેગું થઈ ગયું હતું.

               વાઇરલ થયેલા વીડિયોમાં મહિલા ડોક્ટર સાથે દૂર વ્યવહાર અને મારવાનો પ્રયાસ કરવાની વાત તદ્દન ખોટી છે. ડોક્ટરના પાલતુ શ્વાનને લઈ ઝઘડો ઉગ્ર બન્યો હતો. ચેતનભાઈની પત્નીએ જણાવ્યું હતું કે, વાઇરલ થયેલો વીડિયો ડોક્ટરે બનાવ્યો હતો અને વાઇરલ પણ એમને જ કર્યો છે. જેને લઈ સમાજમાં બદનામી થઈ રહી છે. જો કે, મહિલા ડોકટર સાથેના આ પ્રકારના પાડોશીના અપમાનજનક વ્યવહારને લઇ લોકોમાં પણ હવે પાડોશી પરત્વે ફિટકાર વરસી રહ્યો છે. અડાજણ પોલીસે પાડોશીની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(9:40 pm IST)