Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

નર્મદામાં બહારના રાજ્ય કે વિદેશથી પરત ફરેલા કોરોન્ટાઇન હેઠળ રખાયેલ ૧૫૭ વ્યક્તિઓ પૈકી ફેસેલીટી કોરોન્ટાઇન પૂર્ણ થતાં કુલ-૨૨ને ઘરે મોકલાયા

આયુર્વેદિક હોસ્ટેલમાં કોરેન્ટાઈન ફેસેલીટીમાં કુલ ૧૪ વ્યક્તિઓ હાલમાં કોરોન્ટાઇન હેઠળ: ૨૦ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇનમાં:જિલ્લાની કુલ ૬,૨૨,૯૯૧ની વસ્તી પૈકી ૬,૨૦,૭૮૪ વ્યક્તિઓનું કરાયેલું સ્ક્રીનીંગ :સાદી શરદી-ખાંસી- તાવના લક્ષણોવાળી ૨૧૯૮ જેટલી વ્યક્તિઓને અપાયેલી સારવાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :- COVID-19 મહામારીમાં નર્મદા જિલ્લાના એપીડેમીક મેડિકલ ઓફીસર ડો.આર.એસ. કશ્યપે જણાવ્યા મુજબ આજદિન સુધી નર્મદા જિલ્લામાં બહારના રાજ્ય તેમજ વિદેશથી પરત ફરેલા કુલ ૧૫૭ વ્યક્તિઓને કોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા જેમાંથી હાલ આયુર્વેદિક હોસ્ટેલ ખાતે કોરેન્ટાઈન ફેસેલીટીમાં કુલ ૧૪ જેટલા વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે હાલ હોમ કોરેન્ટાઈન માં કુલ ૨૦ વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે. ફેસેલીટી કોરેન્ટાઈન પૂર્ણ થતાં આજદિન સુધી કુલ ૨૨ વ્યક્તિ ઓને ઘરે મોકલાયા છે. હાલમાં નર્મદા જિલ્લામાં એકપણ વ્યક્તિનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો નથી. તેમજ કોઈપણ વ્યક્તિ નર્મદા જિલ્લામાં નિઝામુદ્દીન જમાતમાંથી આવ્યો નથી.
નર્મદા જિલ્લાના તમામ એન્ટ્રી તથા એક્સીટ પોઈન્ટ પર આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. તે ઉપરાંત દરેક ગામમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવે છે. હાઉસ ટુ હાઉસ સર્વેમાં જિલ્લાની ૬૨૨૯૯૧ કુલ વસ્તી માંથી ૬૨૦૭૮૪ વસ્તીનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. જે પૈકી ૨૧૯૮ વ્યક્તિઓને સાદા શરદી / ખાંસી / તાવના લક્ષણો હોઇ તેમની સારવાર કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને સંભવિત લક્ષણો જણાય તો તરત જ તેમને હોસ્પીટલમાં રીફર કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી કુલ ૭ વ્યક્તિઓના સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા હતા આ તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.
હાલ નર્મદા જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખા હેઠળના આઈ.ડી.એસ.પી.શાખામાં સતત ૨૪ કલાક ૨૪x૭ કોરોના કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેનો નંબર - ૦૨૬૪૦ - ૨૨૧૮૦૬ છે. જેમાં જિલ્લાના વિવિધ સ્થળેથી આવતી ફોન ઉપરની માહિતીને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે છે. કંટ્રોલ રૂમમાં આરોગ્ય શાખાના નિયુક્ત કરેલ અધિકારી તેમજ કર્મચારીઓ સતત ૨૪ કલાક ૨૪x૭ ફરજ બજાવી રહ્યાં છે.
આ અંગે વધુ જણાવવાનુ કે, આ બાબતે સોશ્યલ મીડીયા કે અન્ય માધ્યમો દ્વારા ખોટી ખોટી માહિતી ફેલાવી ભયનું વાતાવરણ ઉભુ કરવામા ન આવે તે જરૂરી છે. જો કોઇ વ્યક્તિ આમ કરતા માલુમ પડશે તો એપેડેમીક એકટ ૧૮૯૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી આવી કોઈપણ ખોટી અફવા કોઈપણ વ્યક્તિ દ્વારા ફેલાવવામાં ન આવે તે જોવાનો ભારપૂર્વકના અનુરોધ સાથે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

(5:51 pm IST)