Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉનના કડક અમલ માટે સુરતમાં તમામ ખાનગી વાહનો ઉપર પ્રતિબંધઃ માત્ર મીડિયા અને આવશ્યક સેવા આપતા વાહનોને છૂટછાટ

સુરત: કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતી છે. લોકડાઉનને તોડીને લોકો ઘરની બહાર નિકળી રહ્યા છે. જેને પોલીસ હાલ શક્ય તેટલું રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ લોકો બહાના એવા હોય છે કે પોલીસ પણ માનવતાના ધોરણે તેમને છોડી મુકે છે. જો કે આ જોખમ તેમના માટે જ છે તેવું સમજવા માટે તૈયાર નથી. જેના પગલે સુરત પોલીસ કમિશ્નરે તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકી દીધો છે. માત્ર આવશ્યક સેવા આપતા વાહનો અને મીડિયાના વાહનોને જ છુટ અપાઇ છે.

14 મી એપ્રીલ સુધી તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે. શહેરમાં વધતા પોઝિટિવ  કેસોને ધ્યાને લઇને આ પગલું ઉઠાવાયું છે. લોકો ખોટા બહાના હેઠળ ખાનગી વાહનો લઇને બહાર નિકળી જતા હોવાનું ધ્યાને આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે સેવાના નામે પણ અનેક ખાનગી વાહનો ખોટી રીતે ફરી રહ્યાનું ધ્યાને આવતા આખરે પોલીસે કમિશ્નરે કડક નિર્ણય લીધો હતો.

પોલીસ કમિશ્નરે જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 મુજબ શિક્ષા પાત્ર ઠરશે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કોન્સ્ટેબલ પણ કાર્યવાહી કરી શકે તેવી સત્તા આપવામાં આવી છે. સેવા અર્થે નિકળનારા વાહનો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.માત્ર સરકારી, જરૂરી સામાનની હેરાફેરી કરતા વાહન અને મીડિયાને જ છુટ આપવામાં આવી છે.

(5:25 pm IST)