Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મોટી ખાનગી હોસ્પિટલોનો સરકાર કબજો લઇ લેશે : કોરોના માટે અનામત

ગુજરાતમાં મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવો ભય : સરકાર દ્વારા યુધ્ધના ધોરણે પૂર્વ તૈયારી : ૩૩ જિલ્લાઓમાં ૩૩ હોસ્પિટલો નક્કી : સરકારની ૩૮૦૦ ઉપરાંત ખાનગી હોસ્પિટલોની ૩૩૦૦ મળી ૭૧૦૦ બેડની વ્યવસ્થા

રાજકોટ તા. ૬ : રાજ્યમાં કોરોનાની મહામારી વધુ માથુ ઉંચકે તેવી ભીતીના પગલે રાજ્ય સરકારે નવા ઉમેરાનાર સંભવિત દર્દીઓની સારવાર માટે યુધ્ધના ધોરણે પૂર્વ તૈયારી આગળ વધારી છે. તમામ ૩૩ જિલ્લાઓમાં ૧૦૦ બેડની ખાસ કોરોના હોસ્પિટલ તૈયાર થઇ રહી છે. તે ઉપરાંત લગભગ તમામ જિલ્લાઓની મોટી ખાનગી હોસ્પિટલોનો પણ જરૂરીયાત મુજબ કબ્જો લઇ તેને કોરોના માટે અનામત રાખવાનો સરકાર નિર્ણય કર્યાનો અને તે દિશામાં કામગીરી પણ શરૂ કરી દીધાનું જાણવા મળે છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલ નિર્માણ માટે કેટલાક સિનિયર સનદી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવેલ છે. કયાં જિલ્લામાં કઇ મોટી ખાનગી હોસ્પિટલ છે તેની માહિતી સરકાર પાસે એકત્ર થઇ ગઇ છે. તે હોસ્પિટલોને ખાલી કરવા માટે પણ સૂચના આપી દેવાયાનું જાણવા મળે છે. સરકાર જે હોસ્પિટલોનો કબ્જો લેશે તેનો ખાનગી તબીબી સહિતનો સ્ટાફ યથાવત રહેશે. અમુક હોસ્પિટલોએ કબ્જો આપવા માટે નકારાત્મક વલણ દર્શાવતા સરકારે લાલ આંખ કરી છે. મોટી ખાનગી હોસ્પિટલોમાં હાલ જે દર્દીઓ છે તેને રજા આપી દેવા અથવા શહેરની અન્ય હોસ્પિટલમાં ખસેડવા જણાવાયું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ખાનગી હોસ્પિટલો પર સરકારનો કબ્જો અને નિયંત્રણ રહેશે. જિલ્લાવાર ૧૦૦ - ૧૦૦ બેડ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં ૩૩૦૦ બેડ તૈયાર કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. કુલ ૭૧૦૦ જેટલા કોરોનાના દર્દીઓને સારવાર આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં કોરોનાના નવા ૧૬ દર્દીઓ ઉમેરાયા છે. કુલ આંકડો ૧૪૪ સુધી પહોંચ્યો છે. સરકારે હજારો દર્દીઓ માટે આગોતરી તૈયારી રાખી છે તે સૂચક ગણવામાં આવે છે.

(3:40 pm IST)