Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રોજની ત્રણ ગણી ફરિયાદ મળે છે

લોકડાઉનઃ ઘર કંકાસના કિસ્સામાં વધારોઃ લોકોને ઘરમાં રહેવા માટે ફરજ પડાતાં તેઓ એકબીજાની ભૂલો શોધી રહ્યા છે

અમદાવાદ તા. ૬ :.. કોરોના વાઇરસના ભય વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવામાં લોકો ઘરમાં રહેવા મજબુર થયા છે ત્યારે ઘર કંકાસના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરના મણીનગરના એક વેપારી કપલની ઘરના કામ અને પૈસાને લઇને લડાઇ થઇ ગઇ. પરિણામે પત્નીએ પતિનું લેપટોપ પછાડયું તો પતિએ તેને સામે લાફો ફટકારી દીધો જે બાદ મહિલા હેલ્પ લાઇન ૧૮૧ ને જાણ કરવામાં આવી.

આ વિશે વાત કરતાં ૧૮૧ ના કાઉન્સેલરે કહ્યું, આ કપલ પતિ-પત્ની હોવા સાથે બિઝનેસ પાર્ટનર પણ છે. લોકડાઉનના કારણે તેઓ પૈસા બ્લોક થઇ જશે એવા ડરમાં હતાં. પૈસાની ચચાથી તેઓ એકબીજા પર આવી ગયા અને પત્નીએ ગુસ્સામાં પતિનું લેપટોપ પછાડયું. ગુસ્સે થયેલા પતિએ તેને લાફો મારી દીધો. અભયમની ટીમે કપલને શાંતિથી સમજાવ્યા અને જયારે પતિએ માફી માગી ત્યારે મામલો શાંત થયો.

રપ મી માર્ચે જયારે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું ત્યારથી લોકો ઘરમાં પુરાયા છે. ત્યારે ઘરેલું કંકાશ અને હિંસાના બનાવો અચાનક વધી ગયા છે. રાજય સરકાર દ્વારા ચલાવાતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનને રોજના પહેલાં કરતાં ત્રણ ગણા વધારે કેસો મળી રહ્યા છે. અભયમ અમદાવાદનાં કોર્ડીનેટર ફાલ્ગુની પટેલ કહે છે, પહેલાં અમને ઘરેલુ હિંસાના રોજના ૧૦ જેટલા કેસ મળતા હતા જે હવે વધીને ૩પ-૪૦ સુધી પહોંચી ગયા છે. મોટા ભાગના કેસો પતિ-પત્નીના હોય છે. લોકોને ઘરમાં રહેવા માટે ફરજ  પડાતાં તેઓ એકબીજાની ભૂલો શોધી રહ્યા છે.

ઘાટલોડિયાના એક કપલનો હાલમાં જ ઝઘડો થયો. પ્લાસ્ટિકના વેપારી પતિને લોકડાઉનના કારણે ઘરમાં બેસવું પડયું. કાઉન્સેલરે કહ્યું, પત્નીએ ફરીયાદ કરી કે કામ ન હોવાથી પતિ તેના કામમાં ભૂલો શોધવા લાગ્યો અને પત્નીને ઘરની બરાબર સફાઇ કે બાળકોનું ધ્યાન રાખતી હોવાનું કહેવા લાગ્યો. પતિના ટોણાથી કંટાળીને પત્નીએ ઘરનું બધુ કામ પતિને જ આપી દીધું. આથી ગુસ્સે થયેલા પતિએ પત્નીને લાફો માર્યો જે બાદ પત્નીએ ૧૮૧ અભયમમાં ફોન કર્યો.

(11:48 am IST)