Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અમદાવાદ-વડોદરામાં સેવાના નામે ફરનારાઓને સજ્જડ બ્રેક

ભોજન-રાશન સામગ્રી તંત્ર જ લાભાર્થીઓ સુધી પહોંચાડી દેશે

અમદાવાદ, તા. ૬ :. દેશમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણની ચેઈનને તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. લોકડાઉનના કારણે તમામ ધંધા-ઉદ્યોગો બંધ થઈ જવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો તો એવા છે કે, જેઓ રોજનું કમાઈને રોજ પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આવા લોકોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા તેમને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત લોકોના ઘરમાં ખૂટતા અનાજના જથ્થાને ધ્યાનમાં લઈને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સેવાનું કામ કરતા લોકોનું કોરોનાના વાહક બની શકે છે ત્યારે આ બાબતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મહત્વનો નિર્ણય કર્યો છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે સરકારે નક્કી કર્યુ છે કે, સેવાભાવી સંસ્થા ભોજન કે નાસ્તો જાતે વિતરણ કરવાના બદલે સરકારી તંત્રને સુપરત કરશે, તો જરૂરીયાતમંદ લોકો સુધી તે ભોજનને પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકડાઉનના કારણે લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો યેનકેન બહાનાઓ બનાવીને રસ્તા પર કામ વગર નીકળી પડતા હોય ત્યારે આવા લોકોની સામે પોલીસ પણ કડક કાર્યવાહી કરે છે તો બીજી તરફ ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પણ રસ્તા પર કામ વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. સેવાના નામે બીનજરૂરી ફરનારા લોકો પર બ્રેક લાગશે. વડોદરામાં પણ ઈન્ચાર્જ સચિવ વિનોદ રાવે રાહત રસોડુ ચલાવવા પર અને ફુડ પેકેટ વિતરણ કરવા પર બાન મૂકયો છે. સંસ્થાઓ - નાગરિકો ઈચ્છે તો પી.એમ. કે સી.એમ. ફંડમાં ફાળો આપી શકે છે.

(10:06 am IST)