Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વડોદરામાં મચ્છી પીઠ તેમજ નાગરવાડા માસ ક્વોરનટીન

સૌપ્રથમ નાગરવાડા વિસ્તાર રેડ ઝોન જાહેર થયો : છોટાઉદેપુરના જમાતમાં ગયેલા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રનો નિર્ણય : વડોદરામાં કુલ ૧૦ કેસો નોંધાયા

અમદાવાદ,તા. ૫ : સુરતમાં રાંદેર અને સચીન વિસ્તારમાં માસ કવોરન્ટીનની ઘટના સામે આવ્યા બાદ આજે વડોદરામાં પણ માસ કવોરન્ટીન કરવાની તંત્રને ફરજ પડી હતી. વડોદરામાં આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાતા વડોદરા શહેર જિલ્લામાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૪ રિકવર થયા છે. જ્યારે એકનું મોત થયું છે. દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરામાં પોઝિટિવ આવનાર ૫૪ વર્ષીય વૃદ્ધ સયાજી હોસ્પિટલમાં અન્ન સેવા આપવાનું કામ કરતા હતા. જ્યારે છોટાઉદેપુરના બોડેલીના ૬૦ વર્ષીય વૃદ્ધ દિલ્હી જમાતમાં ગયા હતા. બંને પરત ફર્યા બાદ સેમ્પલ લેવાતા રિપોર્ટ પોઝોટિવ આવ્યા હતા, જેને લઇને આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈને વડોદરામાં પહેલીવાર મચ્છી પીઠ અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દીધા છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

           દરમિયાન અન્ન સેવા આપવાનું કામ કરતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા અન્ન સેવા બંધ કરવાનો આદેશ અપાયો છે. અન્ન સેવા કરતા નાગરવાડાના ફિરોઝખાન પઠાણનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા વડોદરાનું સ્થાનિક તંત્ર ચિંતાતુર થઈ ગયું છે. આરોગ્ય મંત્રાલય સાથે વીડિયો કોન્ફરન્સ બાદ અન્ન સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નાગરવાડા આખો વિસ્તાર સીલ કરી લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. વારંવાર લોકડાઉનનો ભંગ કરનારને પાસા કરવા ચર્ચા પણ થઈ છે. સરકારના ખાસ નિયુકત સચિવ ડો.વિનોદ રાવ, કમિશનર નલિન ઉપાધ્યાય અને ઉચ્ચ અધિકારીઓએ નાગરવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ તબલિઘીઓ પર નજર રાખવામાં આવી રહી છે. તમામ દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં રાખવાનો પણ નિર્ણય લેવાયો છે. બીજીબાજુ, આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈને વડોદરામાં પહેલીવાર મચ્છી પીઠ અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરન્ટીન કરાયા છે. બંને વિસ્તારમાં બેરિકેટ મૂકી વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

           સાથે જ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. લોકડાઉનમાં સેવા આપતી સંસ્થા અને સેવાભાવિઓને લઈ ગુજરાત સરકારના સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, રાહત માટેના કોઈ પણ કામ માટે કોઈ પણ સામાજિક સંસ્થાઓને છૂટ આપવામાં આવશે નહીં. કોઈ પણ સેવાભાવીઓને કોઈ પણ સેવા કરવી હોય તો મુખ્યમંત્રી રાહત ફંડ અને પી.એમ કેર ફંડમાં યોગદાન આપે. તમામ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. અન્ન સેવાનું કામ કરતા નાગરવાડાના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો છે.

          લોકડાઉન ભંગ કરનાર સામે બિન જામીન પત્ર ગુનો દાખલ કરવામાં આવશે. શહેરના નાગરવાડા વિસ્તારના ૫૪ વર્ષીય ફિરોઝખાન પઠાણનો કોરોના ચકાસણી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે આ વ્યક્તિ કોરોના શંકાસ્પદ તરીકે ગઇકાલે બપોરે સયાજી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં અને એમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.આજે વહેલી સવારે એમનો રિપોર્ટ પોઝિટિવ આવતા એમના પરિવાર માટે તકેદારીના જરૂરી પગલાં મહાનગરપાલિકા આરોગ્ય તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. વધુ એક કેસ પોઝિટિવ નોંધાતા વડોદરા શહેર જિલ્લામાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૪ રિકવર થયા છે. જ્યારે એકનું મોત થયું છે.

(10:12 pm IST)