Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજ્યમાં હોળી પર્વે મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ:ખેડૂતો અને ઇટોના ભઠ્ઠાવાળાઓને મોટું નુકશાન: વાંચો કઈ જગ્યાએ વરસ્યો વરસાદ

ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના વિસનગર-ખેરાલુ, સતલાસણા, બનાસકાંઠાના પાલનપુર-વડગામ-દાંતા-ધાનેરા પંથક ઉપરાંત પાટણ-સિદ્ધપુર વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ : સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતભરના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. સાંજના સાત વાગ્યા પછીથી આ સમાચાર લખાઇ રહ્યાં છે, ત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના વિસનગર-ખેરાલુ, સતલાસણા, બનાસકાંઠાના પાલનપુર-વડગામ-દાંતા-ધાનેરા પંથક ઉપરાંત પાટણ-સિદ્ધપુર વગેરે જેવા વિસ્તારોમાં આઠ વાગ્યાથી  વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય રીતે કહીએ તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદે ખેડૂતો ઉપરાંત ઇટોના ભઠ્ઠાવાળાઓને પણ મોટું નુકશાન કર્યું છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા અષાઢ મહિના જેવો માહોલ જોવા મળ્યો હતો. માવઠાના કારણે કેરી અને રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં એક તરફ આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે.  પાટણના શંખેશ્વરમાં બપોરના સમયે કરા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી.

 

અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે ધારી, સાવરકુંડલા, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટાના કારણે કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલીના ધારી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મીઠાપુર, દલખાણીયા, કુબડા કોટડા, પાણીયા, ચાંચઈ, ગીગાસણ, ગોવિંદપુર, ફાચરીયા, સરસીયા, જીરાખીસરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધારીના ચાચઈ ગામે ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને ભારે નુકસાનીના દૃશ્યો જોવા મળ્યા હતા.

 

અમદાવાદમાં હોલિકા દહનના એક કલાક પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને રોડ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. લાઈટ ચાલુ રાખી અને વાહન ચલાવવું પડ્યું હતું જ્યારે ટુ-વ્હીલર ચાલકોએ તો રોડની સાઈડમાં થોડી જ વાર ઊભા રહી જવાની ફરજ પડી હતી. ઠંડા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે કેટલીક જગ્યાએ તો હોલિકાદહન માટેની તૈયારી પર પાણી ફરી ગયું હતું.

 

વડોદરા શહરેના વાતાવરણમાં સાંજે પલટો આવ્યો હતો અને પવન ફૂંકાતા જુદાજુદા ત્રણ વિસ્તારોમાં ઝાડ પડ્યાનો બનાવો બન્યા હતા. હોળી પ્રગટાવવાને માંડ બે કલાક જેટલો સમય રહ્યો હતો ત્યાં જ વડોદરા શહેરના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજે જોરદાર પવન ફૂંકાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો.

 બીજી તરફ શહેરના વાઘોડિયા રોડ, લહેરીપુરા પદ્યામતી શોપિંગ સેન્ટર પાસે અને રાજમહેલ રોડ વિજય ફરસાણની દુકાન પાસે ઝાડ પડ્યાના ફાયર બ્રિગેડને કોલ મળ્યા હતા.એક તરફ ખરા ઉનાળાની શરૂઆત થઇ રહી છે ત્યારે જ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ હવામાન પલટાયું છે. જેના કારણે ઘઉં, ચણા અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઇ રહી છે.

 

નવસારીના ચીખલી તાલુકામાં, સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં અને કચ્છના આહીર પટ્ટીના ગામોમાં પણ માવઠું થયું છે. આ જિલ્લામાં ક્યાંક ભારે પવન સાથે અને ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે એલર્ટ કરાતા ખુલ્લામાં પડેલા અનાજનું નુકસાન તો ટાળી શકાયું છે. પરંતુ, ખેતરોમાં ઉભા પાકને માઠી અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. જેના કારણએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતના સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.  સુરતમાં બપોર થતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેથી ખેડૂતોને ઉભા પાકને લઈને ચિંતા સતાવી રહી છે. કેરીના મોર સહિતના ઘઉં, ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ હોળિકા દહન પૂર્વ વરસાદ વરસતા હોળીની તૈયારીમાં વિધ્ન આવવાની સાથે પ્લાસ્ટિકના કવર કે છત્રીથી હોળિને ઢાંકવાની ફરજ પડી હતી.

અંકલેશ્વર પંથકમાં વાવાઝોડા સાથે પવન ફુંકાતા ઠેર-ઠેર વંટોળીયા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. મહત્તમ તાપમાન નીચે સરકતા ગરમીમાં આંશિક રાહત વચ્ચે ચાલીસથી પચાસ કિ.મિ.ની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરમાં ફુંકાયેલા વાવાઝોડાની સાથે આકાશમાં વાદળો સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. તેમજ ઠેર-ઠેર પાંદડા, કચરા વગેરેની ડમરી ઉડી હતી. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો ઉપરાંત દુકાનદારોએ પણ હાલાકી અનુભવી હતી. ભારે પવનની સાથે અમુક વિસ્તારમાં વરસાદ પણ વરસતા મહત્તમ તાપમાન પણ ઘટતા લોકોએ ગરમીથી આંશિક રાહતનો અહેસાસ કર્યો હતો.જ્યારે ભારે પવનના કારણેવીજ પુરવઠો પણ ખોરવાયો હતો.જયારે કેટલાય સ્થળોએ સંચાલકો દ્વારા તૈયાર કરેલી હોળી સાચવવા માટે દોડધામ મચી ગઇ હતી.

 

નડિયાદમાં સોમવારની સાંજે ભારે પવન ફૂંકાયો હતો.જેના કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ખાસ કરીને એક બાજુ હોળીની તૈયારીઓ ચાલતી હતી આ વેળાએ જ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. આથી હોળીનું આયોજન કરનારને થોડા સમય માટે વિક્ષેપ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી હતી. નોંધનીય છે કે ગતરાત્રે જ ગાજવીજ કડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આવા વાતાવરણથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.

 

રાજકોટ જિલ્લામાં સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યાં શહેરના કાલાવડ રોડ અને લક્ષ્મીનગરમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે હોલિકા દહન પૂર્વે વરસાદનું વિઘ્ન સામે આવ્યું છે. ત્યારે શહેરના જંકશન વિસ્તારમાં હોલિકા દહનનું આયોજન કરનાર ગ્રુપ દ્વારા તાલપત્રીથી હોળી ઢાંકવામાં આવી હતી. જયારે પડધરીમાં કમોસમી વરસાદથી ચણાના પાથરા પલળ્યા હતા.

 

અમરેલીમાં કમોસમી વરસાદ વચ્ચે સાવરકુંડલાના વાંશીયાળી ગામની સીમમાં વીજળી ત્રાટકી હતી. અહીં ખેતરમાં રહેતા ખેતમજૂરની ઓરડી પર વીજળી પડતા આગ ફાટી નીકળી હતી. આગમાં ખેતમજૂરના કપડા સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ હતી. સદભાગ્યે ખેતમજૂરનો પરિવાર ઓરડીમાં હાજર ન હોવાના કારણે જાનહાનિ થતા અટકી હતી.

 

(9:28 pm IST)