Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, ડાકોર, અંબાજી સહિતના યાત્રાધામો સાથે અનેક સ્થળોએ હોલિકા દહન કરાયું

કમોસમી વરસાદ વચ્ચે સાંજના સમયે હોળી પ્રગટાવાઈ : એકટલાંય સ્થળોએ વરસાદનું વિઘ્ન આવતા હોલિકા ઢાંકવી પડી હતી

ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, ડાકોર, અંબાજી સહિતના યાત્રાધામો સહિત રાજયભરમાં હોલિકા દહન કરાયું હતું,અનેક ભાગોમાં કમોસમી વરસાદ વચ્ચે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવી હતી. ઘણા વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે આયોજકોની મુઝવણ વધી હતી.

અંબાજી મંદિર પાછળ આવેલી ગુજરાતી શાળામાં મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા અર્ચના કરી હોલિકા દહન કરવામાં આવ્યું હતું. અંબાજીમાં હોલિકા દહનની કામગીરી વર્ષોથી ઠાકોર સમાજ કરતું આવ્યું છે. ઠાકોર સમાજના આગેવાન સાથે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અને મંદિરના અધિકારીઓ પૂજામાં જોડાયા હતા. વિધિ વિધાનથી પૂજા અર્ચના કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી. અંબાજી ખાતે રાજસ્થાની સમાજની બહેનો હોળી પ્રગટ્યા પૂર્વે પૂજા અર્ચના કરે છે.

કહેવાય છે કે કૃષ્ણ ભગવાને ખુદ જે હોળી પ્રગટાવી હતી તે હોળીની જ્વાળા દ્વારકાથી પણ દેખાય છે. ભાણવડના બરડા ડુંગરમાં આવેલ બીજા નંબર ઉંચી ટેકરી કહેવામાં અવતી કાનમેરાની ટેકરી પર હોળી પ્રગટાવવામાં આવે છે. કાનમેરાની હોળી પ્રગટ્યા બાદ જ બીજી હોળી પ્રગટાવવામાં આવે છે.

સદીઓની પરંપરા મુજબ વિધિ વિધાન સાથે શક્તિપીઠ પાવાગઢ ખાતે હોળી પ્રગટાવવામાં આવી હતી. પાવાગઢમાં હોળી પ્રગતવ્ય બાદ જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંમાં હોળી પ્રગટાવવાનો સદીઓ જૂનો રિવાજ છે. પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હોળી પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે હોળીની ઉજવણી કરાઈ હતી.

વાતાવરણની શુદ્ધિ માટે સુરતમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. ગાયોના છાણમાંથી 60 ટન ગૌ-કાષ્ટ દ્વારા હોળી બનાવાઈ હતી. માંજલપુરમાં વડોદરાનું સૌથી મોટું હોલિકા દહન થયું હતું. અહી છેલ્લા 50 વર્ષથી પરંપરા મુજબ હોલિકા દહન કરવામાં આવે છે. 25 ફૂટ ઊંચી હોલિકાના મોટી સંખ્યામાં લોકોએ પૂજન કર્યું હતું.

કમોસમી વરસાદ વચ્ચે શહેરના વિવિધા ભાગોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. રાજકોટ શહેરના રાજમાર્ગો પર આજે હોલિકા દહનને લઈને તડામાર તૈયારીઓ થતી હતી ત્યાં જ વરસાદનું વિઘ્ન આવતા હોલિકા ઢાંકવી પડી હતી. રાજકોટના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ઢેબર રોડ, મવડી વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ બન્યો હતો.

ગાંધીનગરના પાલજ ગામમાં 35 ફૂટ ઊંચી હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. પાલેજ ગામમાં 700 વર્ષ જૂની પરંપરાગત રીતે હોલિકાનું દહન કરવામાં આવે છે. હોળી પ્રગટાવવામાં વપરાતા લાકડા માટે સ્વયમ સેવકો દોઢ મહિનાથી કામે લાગી જાય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

ધોધમાર વરસાદ વચ્ચે મોડાસામાં હોળી પ્રગટાવવામાં આવી હતી. ઉમેદપુરમાં સમી સાંજથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે ભારતીય પરંપરા મુજબ હોલિકા દહન થયું હતું. 

 

(9:00 pm IST)