Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એક સાથે ૨૫૩૧ નવા કર્મયોગીઓ જોડાયા: નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂકપત્રો અર્પણનો સમારોહ સંપન્ન

:બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં ૨૩૦૬ – ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨માં ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ સંવર્ગમાં ૯૨નું નવું માનવબળ રાજ્ય વહીવટી તંત્રને પ્રાપ્ત થયું: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરક વિડિયો સંદેશથી યુવા કર્મયોગીઓને પ્રોત્સાહિત કર્યા

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકસેલી ગુડ ગવર્નન્સની પરિપાટીથી ગુજરાતમાં પારદર્શી તથા સમયબદ્ધ રીતે અને જેમને મળવાપાત્ર છે તેવા ઉમેદવારોની ભરતીનો કોન્સેપ્ટ અપનાવ્યો છે.

ગુજરાત સરકારના વિવિધ સંવર્ગોમાં નિમણૂક માટે પસંદગી પામેલા ૨૫૩૧ ઉમેદવારોને મહાત્મા મંદિરમાં નિમણૂક પત્ર એનાયત કરવાના ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટ વર્ગ-૩ની જગ્યાના ૨૩૦૬ ઉમેદવારો તેમ જ શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ના ૯૨ મળી સમગ્રતયા ૨૫૩૧ યુવા કર્મીઓનું નવું માનવબળ રાજ્ય વહીવટી તંત્રમાં ઉમેરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ નવનિયુક્ત ઉમેદવારોને પ્રેરણાદાયી વિડિયો સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતે ભરતી કેલેન્ડર બનાવીને ટાઈમ ફ્રેમમાં ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને અત્યાર સુધી લાખો યુવાઓને નોકરીઓ આપી છે. એટલું જ નહીં, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા પારદર્શી પણ બનાવી છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અલગ-અલગ ડિજિટલ પ્લેટફોર્મ, મોબાઈલ એપ, વેબપોર્ટલ દ્વારા યુવા રોજગારીના અવસરો સરળતાએ ઉપલબ્ધ કર્યા છે, તે પણ અભિનંદનને પાત્ર છે એમ પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓ તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મહત્વ આપી આ ક્ષેત્રોમાં મહત્તમ રોજગારી આપવા પણ કેન્દ્રની અને એન.ડી.એ. સાશિત રાજ્યોની સરકારોએ ફોકસ કર્યું છે.
રાજ્ય સરકારની સેવાઓમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પ્રેરણા આપતાં વડાપ્રધાનએ જણાવ્યું કે, બદલાતા સમય અને ટેકનોલોજી સાથે યુવાશક્તિએ પણ સજ્જ થવું પડશે.
વિકાસ ચક્રની તીવ્ર ગતિ સાથે દેશમાં રોજગાર અવસરોની ગતિ પણ વેગવંતી બની છે. તેનો વિશેષ ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આવનારા દિવસોમાં ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે એવો દુનિયાના તજજ્ઞોએ મત વ્યક્ત કર્યો છે. ગુજરાત આનું નેતૃત્વ કરે તે દિશામાં રોજગાર અવસરો, સ્વરોજગાર માટે સરળતાએ લોન ધિરાણ આપીએ છીએ તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત યુવાઓને વડાપ્રધાનશ્રીએ આપેલી કર્મયોગીની ભાવના ચરિતાર્થ કરી તેમની પાસે આવતા અરજદાર-સામાન્ય માનવીની સમસ્યાઓ નિવારવામાં સંપૂર્ણ નિષ્ઠાથી કર્તવ્યરત રહેવા આ તકે આહવાન કર્યું હતું.
તેમણે કહ્યું કે ભરતી પરીક્ષાઓ અને નિમણૂકો વિલબમાં ન પડે, ઉમેદવારોની સ્થિતિ પીડાદાયક ન થાય, તેવા યુવાહિત અભિગમથી આપણે ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ રોકવા અને ગેરરીતિ આચરનારાઓને નશ્યત કરવા કડકમાં કડક સજાનું વિધેયક વિધાનસભામાં પસાર કર્યું છે.
મુખ્યમંત્રીએ નવી નિમણૂક મેળવી રહેલા સૌ યુવાઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે લક્ષિત મંઝિલ સુધી પહોંચવા કે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા નૈતિકતા કદી ન છૂટવી જોઈએ તેનું સતત ધ્યાન રાખવાનું છે.
તેમણે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ અને રાજ્યના અમૃતકાળમાં ગુડ ગવર્નન્સથી પ્રજાકલ્યાણ-જનતાની જનસેવા માટેના સમર્પિત ભાવથી કર્તવ્યરત રહી આ અમૃતકાળ જનસેવાનો અમૃતકાળ બનાવવા પણ નવી નિમણૂક પામેલા કર્મીઓને પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ સંવર્ગોમાં પસંદગી પામેલા સૌ ઉમેદવારો રાજ્ય સરકારમાં જોડાશે ત્યારથી જ તેમની જવાબદારી પણ બમણી થઈ જશે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું સુચારૂ અમલીકરણ કરી તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યસચિવ વધુમાં જણાવ્યું હતું કે, બિન સચિવાલય કારકુન એ રાજ્ય સરકારના પાયાના કર્મચારીઓ છે તેથી જ નાગરિકોના કલ્યાણની જવાબદારી પણ તેમની છે. આ જવાબદારીને પૂર્ણ કરીને સૌ ઉમેદવારો રાજ્યના વિકાસમાં સહભાગી થશે તેવો વિશ્વાસ મુખ્ય સચિવએ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે જણાવ્યું હતું કે, બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય સંવર્ગના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની આ ભરતી ગુજરાતની સૌથી મોટી ભરતી પરીક્ષા હતી. જેમાં રાજ્યના કુલ ૧૦,૪૫,૪૫૯ જેટલા ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
મુખ્યમંત્રીના નિરંતર માર્ગદર્શન, રાજ્ય સરકાર અને મંડળના અધિકારી કર્મચારીઓના સહયોગથી આજે આ પડકાર પૂર્ણ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની પરીક્ષા અને બીજા તબક્કામાં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટથી શરૂ કરીને અંતમાં નિમણૂક સુધીની તમામ પ્રક્રિયા પારદર્શિતા સાથે પૂરી કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
નવનિયુક્ત ઉમેદવારોને ખંત અને ધગશ સાથે કામ કરીને રાજ્યની પ્રગતિમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા પણ શ્રી એ.કે. રાકેશે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ નલિન ઉપાધ્યાય સહિત વિવિધ અધિકારી કર્મચારીઓ અને નવનિયુક્ત ઉમેદવારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

 

(8:32 pm IST)