Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વડોદરાના ગોરવા વિસ્તારમાં ક્રિકેટ રમતી વેળાએ નજીવી બાબતે મારામારી થતા બને પક્ષો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના છાણી રોડ ખાતે ચીસ્તીયા મસ્જિદની પાસે રહેતા ફૈઈનખાન પઠાણએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગોરવા ખાતેના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા રમતા સમયે બોલાચાલી થતા તેની અદાવતે મોહમ્મદ આરીફ સહિતની ટોળકી મારા ઘરે ઘસી આવી હતી અને મારા ભાઈ મોઈનને શોધી રહી હતી. જોકે મારો ભાઈ ઘરમાં મળી ન આવતા મને ઘરમાંથી બહાર કાઢી સુલતાન આલમએ નારીયલ કાપવાનો છરો મારા માથાના ભાગે મારી દીધો હતો. મારા નાના ભાઈ સુફિયાનને લોખંડની પાઇપ વડે ફટકાર્યો હતો. અમને બચાવવા માટે વચ્ચે આવતા સંબંધીઓ ઉપર પણ હુમલો કરી છુટા પથ્થર માર્યા હતા. આ ઘટનામાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. ફરિયાદના આધારે પોલીસે સુલતાન આલમ ઉર્ફે પુન્નો, મોહમ્મદ આરીફ, મોહીન સતારઆલમ, આબિદ તથા બે શખ્સો, સુલતાન આલમ, જાવેદ મુનાવર, જાહીર મુનાવર, બહાર આલમ, જૈનુન આલમ, પપ્પુ સફીઆલમ, જીશાન રાજુ પઠાણ અને સતાર આલમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે સામા પક્ષે ગોરવા બ્રિજ પાસે રહેતા મોહમ્મદઆરીફ ખાનએ ફરિયાદમાં કહ્યું હતું કે, ક્રિકેટ રમતા સમય બાઉન્ડ્રી બાબતે સમીર સાથે સાધારણ બોલાચાલી થઈ હતી. જેમાં સમીરે મને માર માર્યો હતો. ત્યારબાદ મારો ભાણિયો જિશાન પઠાણ નવાયાર્ડ કુમારચાલમાં દાદીને મળવા જતા તેને કૈઇમ અસ્પાકઅલી પઠાણ, સમીર આલમ પઠાણ, સુફિયાન મુખતારઅલી પઠાણ અને મોહમ્મદ કેફ યુનુસઅલી પઠાણએ માર માર્યો હતો. તેને બચાવવા માટે જતા મને પણ માર માર્યો હતો. આ ઘટનામાં બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(8:18 pm IST)