Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વડોદરા:જાનથી મારી નાખવાની ધમકી આપતા વ્યાજખોર વિરુદ્ધ વેપારીએ ફરિયાદ નોંધાવી

વડોદરા: રૂપિયા 2 લાખની રકમ સામે 1.66 લાખ વ્યાજ પડાવ્યા બાદ બાકી રૂ.2 લાખની મુદ્દલ માટે દુકાન સીલ કરી ,ખોટા કેસમાં ફસાવી, જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યાજખોર સામે ફેબ્રીકેશનના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના સમા સાવલી રોડ ઉપર રહેતા રમેશભાઈ પરમાર એલ્યુમિનિયમના બારી દરવાજાનું કામ કરે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, મિત્ર થકી કિશન ભરવાડ (રહે- ટીપી 13, છાણી જકાતનાકા) સાથે પરિચય થયો હતો. વર્ષ 2022 જાન્યુઆરી મહિના દરમિયાન નાણાની જરૂરિયાત ઉદ્ભવતા કિશન ભરવાડ પાસેથી 10 ટકા વ્યાજે એક લાખની રકમ લીધી હતી. જેની સિક્યુરિટી પેટે પ્રોમિસરી નોટ તથા કોરા ચેક લીધા હતા. પ્રતિમાસ 10 હજાર લેખે એક વર્ષમાં 1.20 લાખ વ્યાજ ચૂકવ્યું છે. ચાલુ વર્ષે ફરી વખત નાણાંની જરૂરિયાત ઉદ્ભવતા એક લાખની રકમ લીધી હતી. જે પેટે પ્રતિ દિન બે હજાર લેખે 23 દિવસમાં 46 હજારનું વ્યાજ મારી પાસેથી કિશન ભરવાડ લઈ ગયો છે. જોકે આર્થિક પરિસ્થિતિ કથળતા બે લાખની રકમ અંગેનું પ્રતિમાસ 10 હજાર તથા પ્રતિદિન બે હજાર વ્યાજ ચૂકવી શકતો નથી. જેથી કિશન ભરવાડ કારખાને ઘસી આવી અપશબ્દો બોલે છે. અને દુકાન સીલ કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપે છે. મારા કોરા ચેક સિક્યુરિટી પેટે જમા હોય બેંકમાં રિટર્ન કરાવી ખોટી ફરિયાદની પણ ધમકી આપે છે.

(8:17 pm IST)