Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ખેડાસા-ધનાવશી માર્ગ નજીક બાઈક સ્લીપ થતા યુવકનું કમકમાટીભર્યું મોત

આણંદ : બોરસદ તાલુકાના ધનાવશી ગામે રહેતા ત્રણ યુવકોને ખેડાસા ગામે શાળાના વાર્ષિકોત્સવમાં  હાજરી આપી પરત ફરતા ખેડાસા-ધનાવશી માર્ગ ઉપર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો. જેમાં એક યુવકનું ગંભીર ઈજાને પગલે સારવાર મળતા પહેલા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  બોરસદ તાલુકાના ધનાવસી ખાતે રહેતા   જયદીપ અર્જુનભાઈ પઢીયાર ગત તા.૩જી માર્ચના-૨૦૨૩ના રોજ ખેડાસા ગામે આવેલ પે-સેન્ટર શાળામાં વાર્ષિક પ્રોગ્રામ રાખેલ હોઈ મિત્ર મેહુલ રામસીંગભાઈ પઢીયાર તથા કેતનસીંહ ગેમલસીંહ પઢીયાર મોટરસાયકલ ઉપર સવાર થઈ પ્રોગ્રામમાં જવા માટે ધનાવસીથી નીકળ્યા હતા. બાદમાં પ્રોગ્રામ પૂર્ણ થયા પછી ત્રણેય મિત્રો ખેડાસાથી ધનાવસી આવવા માટે નીકળ્યા હતા. દરમ્યાન તેઓની મોટરસાયકલ ખેડાસાથી ધનાવસી વચ્ચે આવેલ સીતારામ વડ નજીક રોડ ઉપર અચાનક સ્લીપ ખાઈ જતા ત્રણેય જણા રસ્તા ઉપર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં જયદીપ અને મેહુલને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે કેતનસીંહને શરીરે વધતાઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે હરિભાઈ પઢીયારે ઈજાગ્રસ્તોના પરિવારને જાણ કરવા સાથે ૧૦૮ને ફોન કરી જણાવતા ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે  વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત જયદીપનું સારવાર મળે તે પહેલા જ રસ્તામાં મોત નિપજ્યું હતું. જ્યારે મેહુલ પઢીયારને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. આ બનાવ અંગે હરીભાઈ પઢીયારે ભાદરણ પોલીસમાં ફરીયાદ આપતા  અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

(8:15 pm IST)