Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાતમાં હજુ બે દિવસ માવઠાની આગાહી : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડશે

ભાવનગર અને અમરેલી તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ : બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના

અમદાવાદઃ હવામાન વિભાગે મંગળવાર સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ અગાઉ અંબાજી અને બનાસકાંઠા પંથકમાં વરસાદ થયો હતો. રાજ્યમાં છેલ્લાં બે દિવસથી માવઠા થઈ રહ્યાં છે.

સોમવારે દમણમાં સોમવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો હતો. તેના લીધે કેરીના પાકને નુકશાન થવાની ખેડુતોમાં ચિંતા ફેલાઈ છે. દરમિયાન, સોમવારે તાપી જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. તેમાં વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠાં થયા હતા. ઉમરગામ, કપરાડા, વાપી અને ધરમપુરમાં કમોસમી વરસાદ થયો હતો. વાતાવરણમાં આવેલો પલટો અને માવઠાને લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
અગાઉ બોટાદ જિલ્લામાં રવિવારે બીજા દિવસે પણ કમોસમી વરસાદ થયો હતો. તેમાં બોટાદ શહેર, તુરખા, કુંભારા, રંગપર, સિરવાનીયા, હડદડ સહિત અનેક વિસ્તારોમાં માવઠાં થયા હતા. ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

 

રવિવારે મોડી સાંજે રાજકોટમાં માવઠાં થયા હતા. રાજકોટમાં કાલાવડ રોડ પર ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાઈ ગયાં હતાં અને ધૂળની ડમરીઓ ફૂંકાતાં વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ગયાં હતા. બીજી બાજુ ગોંડલ પંથકમાં રીબડા, ભુણાવા સહિતનાં ગામમાં હળવા ઝાપ્ટા થયાં હતાં. મોટામાંડવા અને ગોંડલના ડૈયા ગામે કરા પડ્યાં હતા. જસદણ, આટકોટ વિસ્તારમાં પણ મોડી સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો. તે પછી ભારે વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ આ માવઠાને લીધે ઘઉં, ધાણા, ચણા અને જીરુના પાકને ખૂબ નુકસાન થયું હોવાની ભીતિ વ્યક્ત કરી હતી. રાજકોટના જસદણમાં પણ APMCમાં ખુલ્લામાં પડેલો પાક પલળી જતાં નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. તેમાં ઘઉં, એરંડા, જીરુ સહિતના પાકનો સમાવેશ થાય છે.

 

ભાવનગરના હવામાનમાં પણ ગઈ સાંજે અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. સિહોરમાં ગાજવીજ સાથે થયેલા વરસાદને કારણે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન અને વરસાદને પગલે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. આ દરમિયાન, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં રવિવારે થયેલાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી.

હવામાન વિભાગે હજુ સોમવારે અને મંગળવારે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતના તથા દક્ષિણ અને દક્ષિણ પૂર્વના જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સિવાય ભાલ પંથકના માઢિયા, સનેશ, કાના તળાવ, ગણેશગઢ સહિતના ભાગોમાં વરસાદ થયો હતો.

 

(8:03 pm IST)