Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજ્યમાં ૮ મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના ૪૧ લાખ ડોઝની માંગણી સામે કેન્દ્રમાંથી ૫૧.૭૩ લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા : કોરોનાની રસીના સફળ અભિયાનના પરિણામે ગુજરાત આજે કોરોના સામે સુરક્ષિત - આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના કુલ ૨૫ હજાર ડોઝ કોલ્ડ સ્ટોરેજ મા સુરક્ષિત

રાજકોટ તા.૬ ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછાયેલ કોવેક્સિનના  પ્રશ્ન સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે  જણાવ્યું હતું કે,રાજ્યમાં ૮ મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના ૪૧ લાખ ડોઝની માંગણી સામે કેન્દ્ર સરકાર દ્વારા ૫૧.૭૩ લાખ ડોઝ ગુજરાતમાં ઉપલબ્ધ કરાયા છે.
રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મળીને કુલ ૨૫ હજાર  ડોઝ કોલ્ડ સ્ટોરેજ મા સુરક્ષિત છે જેને ૩૧-૩-૨૦૨૩ સુધીમાં સફળ રસીકરણ દ્વારા લોકોને ઉપલબ્ધ કરાવીને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે..
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસીના સફળ રસીકરણ અભિયાનના પરિણામે જ આજે આપણું  રાજ્ય કોરોના સામે સુરક્ષિત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,વિશ્વના અન્ય દેશોમાં કોરોનાની ત્રીજી લહેર સામે ઝઝુમી રહ્યા હતાં ત્યારે ભારત દેશ અને ગુજરાતમાં થયેલ સફળ રસીકરણના પરિણામે જ આપણે સુરક્ષિત રહી શક્યાં છીએ.
વધું માં મંત્રી શ્રી એ કહ્યું કે, તા. ૨૬.૦૨.૨૦૨૩ ની સ્થિતિએ ગુજરાત રાજ્યને કુલ ૯,૪૫,૯૫,૪૦૦ ડોઝ કોવિશિલ્ડ, ૧,૮૬,૧૬,૩૭૦ ડોઝ કોવેકસીન અને ૪૩,૨૧,૫૦૦ ડોઝ કોર્બેવેક્શ મળીને કુલ ૧૧,૭૫,૩૩,૨૭૦ ડોઝ કોવિડ-૧૯રસીના મળ્યા છે.જેનુ સફળ રસીકરણ રાજ્યમાં થયું છે.

 

(4:05 pm IST)