Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સરકારના પ્રજાકીય કાર્યોમાં સંસ્‍થા જોડાય એટલે સોનામાં સુગંધ ભળે : ભૂપેન્‍દ્રભાઇ

અમદાવાદ પંથકના અસલાલી ગામમાં મુખ્‍યમંત્રીના હસ્‍તે અમીન આરોગ્‍યધામનું લોકાર્પણ : સરકાર દરેક જિલ્લામાં કેમોથેરાપી કેન્‍દ્ર ખોલશે : નરહરિ અમીને સાંસદ તરીકે અસલાલી ગામ દત્તક લીધુ : સસ્‍તુ આરોગ્‍ય કેન્‍દ્ર અને ગામના વિકાસ માટે લાખોની ગ્રાન્‍ટ ફાળવી

રાજકોટ તા. ૬ : ગઇકાલે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે અમદાવાદ જિલ્લાના અસલાલી ગામ ખાતે રાજ્‍યસભાના સાંસદ શ્રી નરહરિભાઇ અમીન, કેન્‍દ્રીય રાજ્‍ય સંચાર મંત્રી શ્રી દેવુસિંહભાઇ ચૌહાણ, ધારાસભ્‍ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ અને અનેક મહાનુભાવોની હાજરીમાં રૂા. ૨ કરોડના ખર્ચે તૈયાર કરેલ મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત આશાભાઇ પુરૂષોત્તમભાઇ અમીન આરોગ્‍યધામનું લોકાર્પણ કરવામાં આવેલ અને અસલાલી ગામનાં સાંભળી ન શકનાર (દિવ્‍યાંગ) બાળકોને હિયરીંગ એઇડ કીટનું વિતરણ અને આરોગ્‍યધામનાં દાતાઓનું સન્‍માન મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે સંસ્‍થાના પ્રમુખ અને સંસદભ્‍ય નરહરિ અમીને જણાવેલ કે, આ હોસ્‍પિટલમાં અદ્યતન સુવિધાયુક્‍ત ફિઝિયોથેરાપીના સેન્‍ટર તથા તમામ પ્રકારના બ્‍લડ ટેસ્‍ટ થઇ શકે તેવી અદ્યતન પેથોલોજી લેબોરેટરી, જેનરિક દવાની દુકાન તેમજ કન્‍સલ્‍ટીંગ ડોકટરની સુવિધાઓ અને જુદા-જુદા રોગોના ડોકટરો દ્વારા દર્દીઓનું નિદાન કરીને રાહતદરે સારવાર આપવામાં આવશે. સંસદસભ્‍ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા આ ગામને દત્તક લેવામાં આવેલ છે. સંસદસભ્‍ય સ્‍થાનિક વિસ્‍તાર વિકાસ કાર્યક્રમ હેઠળ સાંસદનિધિમાંથી અસલાલીના વિકાસ માટે મારા દ્વારા માતબર ગ્રાન્‍ટ ફાળવવામાં આવેલ છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, આરોગ્‍ય, શિક્ષણ અને સલામતીની ચિંતા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કરી નાનામાં નાનો માણસ સ્‍વાસ્‍થ્‍ય મેળવી શકે તેના માટે સરકાર કામગીરી કરે છે. સરકાર સાથે જ્‍યારે સંસ્‍થા મળે ત્‍યારે સોનામાં સુગંધ ભળે તેવું પરિણામ આવે છે. નાની જગ્‍યામાં આવી સુવિધામાં જગ્‍યા ઉભી થાય એટલે ગામના લોકોને સારવાર મળી રહે. પહેલા ૫૦ વર્ષના થાય ત્‍યારે હેલ્‍થ ચેકઅપ કરાવતા અત્‍યારે દસકો બદલાઇ ગયો અને ઓછી ઉંમરમાં તકલીફ થાય છે. પ્રાકૃતિક ખેતીમાં ધ્‍યાન આપીને આગળ આવીશું તો આગામી પેઢીનું સ્‍વાસ્‍થ્‍ય સુધરશે. ગુજરાતમાં ૩ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. સરકાર દ્વારા ડાયાલીસીસ સેન્‍ટરો ઉભા કર્યા છે. તે પ્રમાણે દરેક જિલ્લામાં કેન્‍સરનાં દર્દીઓ માટે કેમો થેરાપી માટે દરેક જિલ્લામાં સેન્‍ટરો ઉભા કરવાનું આયોજન કર્યું છે.

આ પ્રસંગે સંસ્‍થાના સેક્રેટરી શ્રી પ્રવિણચંદ્ર અમીન, ઉપપ્રમુખ શ્રી વરૂણ અમીન, ટ્રસ્‍ટી શ્રી ઘનશ્‍યામભાઇ અમીન, ટ્રસ્‍ટી શ્રીમતી નીતાબેન અમીન, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઇ તેમજ સમગ્ર ટ્રસ્‍ટીઓ, ગામ લોકો, આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:33 pm IST)