Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી વિકાસ સહાય (આઇપીએસ) સાથે પિનાકી મેઘાણીની લાગણીસભર મુલાકાત

ચોટીલાની પોલીસ-લાઇન અને પોલીસ પરિવારમાં જન્‍મેલા ઝવેરચંદ મેઘાણીનું ‘લાઇન-બોય' તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે

રાજકોટ,તા. ૬: ગુજરાત રાજયના સંનિષ્ઠ, સાહિત્‍ય-શિક્ષણ-સંસ્‍કૃતિ-પ્રેમી પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી (ડીજીપી) વિકાસ સહાય (આઈપીએસ) સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની લાગણીસભર મુલાકાત થઈ હતી.

ચોટીલાની પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્‍મેલાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું લાઈન-બોય તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્‍ય, લોકસાહિત્‍ય, પત્રકારત્‍વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્‍ય અને મહામૂલું પ્રદાન ક્‍યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેમ ડીજીપી વિકાસ સહાયએ લાગણીભેર અંજલિ અર્પી હતી.

ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મૃતિમાં ગુજરાત પોલીસ દ્વારા વિવિધ પ્રેરક કાર્યક્ર્‌મોનાં આયોજન બદલ પિનાકી મેઘાણીએ ડીજીપી વિકાસ સહાયનો હ્રદયથી આભાર માન્‍યો હતો. મેઘાણી-સાહિત્‍ય પણ અર્પણ કર્યું હતું. જન્‍મભૂમિ ચોટીલા ખાતે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ૨૦૨૧માં જનસહયોગથી નિર્મિત ભવ્‍ય, અદ્યતન વિશ્રામ ગૃહનું નામકરણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ વિશ્રામ ગૃહ તરીકે કરાયું છે. ૨૦૧૩માં રક્ષા શક્‍તિ યુનિવર્સિટીના ડેપ્‍યુટી ડીરેકટર જનરલ તરીકે કાર્યરત વિકાસ સહાયની પ્રેરણાથી મેઘાણી વંદના કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:18 am IST)