Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રોજના ઝઘડાથી કંટાળીને પતિ પહોંચ્‍યો કોર્ટ : પત્‍નીની ક્રૂરતા આધારે છૂટાછેડા મંજૂર

અમદાવાદમાં પત્‍નીના ત્રાસથી કંટાળેલા યુવકની અરજી કોર્ટે મંજૂર કરી : લગ્નના થોડા વર્ષો બાદ જ પત્‍નીએ પોતાના પતિ સાથે ઝઘડા કરવાના શરૂ કરી દીધા હતા અને પતિ પર અલગ રહેવા માટે દબાણ કરતી હતી : ઘણી વખત ઝઘડામાં આ પત્‍ની છૂટા વાસણોના ઘા કરતી હતી

અમદાવાદ તા. ૬ : ફેમીલી કોર્ટમાં દરરોજ અનેક ફરિયાદો આવતી હોય છે. ઘરેલુ હિંસા હોય કે છૂટાછેડાની કોર્ટમાં અસંખ્‍ય ફરિયાદો અને અરજી આવતી હોય છે. આ ફરિયાદો કે અરજી મોટાભાગની મહિલા કરતી હોય છે. દેશમાં સૌથી વધુ ઘરેલુ હિંસા અને દહેજનો ભોગ મહિલાઓ બનતી હોય છે. ત્‍યારે અમદાવાદની ફેમલી કોર્ટમાં એક પતિએ પત્‍ની સાથે છૂટાછેડા લેવાની અરજી કરી હતી. કોર્ટે સમગ્ર કેસમાં પત્‍નીની ક્રૂરતાને આધાર રાખીને પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી દીધી હતી.

૨૦૧૩માં અમદાવાદના વષાાલમાં રહેતો એક યુવકે લગ્ન કર્યા હતા. લગ્ન થયાના થોડા વર્ષો સુખ ચેનથી પસાર થયા પરંતુ થોડા વર્ષો વીત્‍યા બાદ યુવકે પોતાની પત્‍નીના સ્‍વભાવમાં બદલાવ જોયો હતો. યુવકની પત્‍ની વારંવાર ગુસ્‍સે થઈ જતી હતી. વાત વાતમાં ઝઘડો કરવા લાગી હતી. તેનો આક્રમક સ્‍વભાવ દિવસને દિવસે વધવા લાગ્‍યો હતો. તે જોયા જાણ્‍યા વગર ઘરમાં છૂટા વાસણો છૂટા મારવા લાગી હતી. આ અંગે તેના પતિ અને સાસરિયાઓ પણ ખૂબ સમજાવી હતી પરંતુ તે માનતી ન હતી. વારંવાર મહિલા તેના પતિને માતા-પિતાથી અલગ રહેવા માટે દબાણ કરતી હતી. રોજ રોજની

માથાકૂટમાંથી બચવા માટે પતિને આશા હતી કે, બાળક આવશે ત્‍યારબાદ તેનો સ્‍વાભાવ બદલાશે પરંતુ બાળક આવ્‍યા બાદ પણ મહિલાનો સ્‍વભાવ બદલાયો ન હતો.

પતિએ અનેક પ્રયત્‍ન કર્યા પરંતુ પત્‍ની સુધરી નહીં

૨૦૧૮માં આ મહિલા પોતાનું સાસરૂ છોડીને જતી રહી હતી. મહિલાને તેના પતિ દ્વારા ખૂબ સમજાવવામાં આવી હતી. જેમ છતાં તે પરત આવી ન હતી. પોતાની પત્‍નીના આવા ઉગ્ર સ્‍વભાવથી કંટાળીને યુવકે ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. કોર્ટમાં જતા પહેલા પણ અરજદાર પતિએ પત્‍ની સાથે સબંધો સુધારવા માટે અનેક પ્રયાસ કર્યા હતા પરંતુ પત્‍ની સાથે તેનો સબંધ સુધર્યો ન હતો. યુવકના સસરા પણ તેની સાથે ઝઘડો કરવા લાગ્‍યા હતા અને પોતાની દીકરીનો પક્ષ લેવા લાગ્‍યા હતા. જેથી સમગ્ર મામલે અમદાવાદ ફેમીલી કોર્ટમાં પહોંચ્‍યો હતો. ફેમીલી કોર્ટે દલીલોને ધ્‍યાને રાખીને પતિની છૂટાછેડાની અરજીને મંજૂર રાખી હતી

(10:49 am IST)