Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભાજપને જીતાડવામાં EVM ની જ મુખ્ય ભૂમિકા BTPએ ખુલ્લો આક્ષેપ કર્યો : તપાસની માંગણી

વિપક્ષી પાર્ટીઓના વિરોધ છતાં EVM થી ચૂંટણીઓ કેમ ?: EVM ની હાઈકોર્ટના 2-3 જજોની નિમણૂક કરી FSL તપાસ કરો : ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ નહીં થાય તો જલદ આંદોલનની ચીમકી

રાજપીપળા: ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ અને BTP સહીત અનેક વિપક્ષી પાર્ટીઓનો પરાજય થયો છે .કોંગ્રેસ-BTP ના દિગજ્જોની હાર થઈ છે.BTP અને કોંગ્રેસે EVM માં ગરબડી અને હેરાફેરીના આક્ષેપો પણ લગાવ્યા છે.BTP એ ખુલ્લો આક્ષેપ લગાવ્યો છે કે ભાજપને જીતાડવામાં EVM ની જ મુખ્ય ભૂમિકા છે.ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ કરતા BTP એ EVM માં ગરબડી અને હેરાફેરીની તપાસ કરવા માંગ કરી છે.

નર્મદા જિલ્લા BTP પ્રમુખ ચૈતર વસાવા, બહાદુર વસાવા સહિત BTP ના નેતાઓએ જણાવ્યું હતું કે જ્યારથી દેશમાં EVM થી ચૂંટણી થઈ છે ત્યારથી ગરબડીના અનેક બનાવો બન્યા છે અને આક્ષેપો પણ થયા છે.તે છતાં ચૂંટણી પંચ દ્વારા આ મામલે કોઇ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી જે લોકશાહીની હત્યા સમાન કહી શકાય.

BTP ના નેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીના જમાનામાં EVM હેક કરવું એ કોઈ મોટી વાત નથી.હાલના સમયમાં દેશમાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂત આંદોલન સહીત અનેક બાબતે જનતાનો વિરોધ હોવા છતાં ભાજપ તરફી પરિણામ આવે એ ફક્ત EVM નો જ કમાલ છે.

દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં પણ જો EVM ની જગ્યાએ બેલેટ પેપરોથી જો ચૂંટણી કરવામાં આવતી હોય તો ભારતમાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ.EVM બનાવનાર દેશોએ પણ EVM પર બેન્ડ લગાવ્યો છે.આપણા દેશમાં વિપક્ષી પાર્ટીઓના વિરોધ છતાં જો EVM થી ચૂંટણીઓ જો થતી હોય તો ચૂંટણી પંચ પર શંકા ઉપજે છે, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં વી.વી.પેડ નો પણ ઉપયોગ થયો નથી.સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અનેક જગ્યાએ EVM માં ગરબડીની ફરિયાદો પણ ઉઠી છે.

ધોળકામાં વોર્ડ-4 માં 644 વ્યક્તિઓનું મતદાન થયું અને છતાં EVM માંથી 2373 મત નીકળ્યા.ઘણી જગ્યાઓ પર EVM હેક થયા હોવાની પણ ફરીયાદો કરવામાં આવી છે.છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ જાતની નિષ્પક્ષ કાર્યવાહી થઈ નથી.અમારી માંગ છે કે રાજ્યની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ EVM ની હાઈકોર્ટના 2-3 જજોની નિમણૂક કરી FSL તપાસ કરવામાં આવે અને આવનારી ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે.જો અમારી આ માંગ નહિ સંતોષાય તો અમે જલદ આંદોલન કરીશું.

(7:06 pm IST)