Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

પંચાયતોની જિલ્લા કક્ષાની સમિતિઓ વિખેરી એક જ બોર્ડ દ્વારા ભરતી કરવાની વિચારણા

જિલ્લાવાર અરજીઓનું ભારણ ઘટાડી શકાશેઃ સરકારને આર્થિક ફાયદા સાથે ભરતી પ્રક્રિયા સુદ્રઢ બનશે

રાજકોટ તા. ૬ : રાજય સરકાર દ્વારા જિલ્લા પંચાયતોમાં વર્ગ-૩ ની ભરતી માટે હાલ અસ્તિત્વમાં રહેલ જિલ્લા કક્ષાની પસંદગી સમિતિઓ વિખેરી પંચાયત સેવા પસંદગી બોર્ડ અથવા અન્ય કોઇ એકજ એકમ દ્વારા સરકારી ભરતી કરવાનુ વિચારાઇ રહ્યું છે ભરતી પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થવાથી અરજીઓનું ભારણ ઘટાડી શકાશે. સરકારને પરીક્ષા વ્યવસ્થા ખર્ચમાં બચત થશે અને પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.

હાલ પંચાયતના તલાટી, કારકુન તેમજ આરોગ્ય વિભાગના વિવિધ સંવર્ગોની ભરતીની કામગીરી જે તે જિલ્લા પંચાયતની નિયત પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે. તેની જાહેરાત જે તે જિલ્લા સમિતિ દ્વારા આપવામાં આવે છે. ઉમેદવારો અલગ-અલગ જિલ્લામાંઓમાં અરજી કરી શકે છે. પણ પરીક્ષા એક જ સાથે હોવાથી કોઇપણ એકજ જિલ્લામાં પરીક્ષા આપી શકે છે. એક ઉમેદવાર એકથી વધુ જિલ્લાઓ માટે અરજી કરે એટલે તંત્રએ તેના માટે અરજીના તમામ સ્થળોએ પરીક્ષા લેવાની વ્યવસ્થા કરવી પડે છે. શિક્ષિત બેરોજગારોનો આંકડો પણ મોટો દેખાય છે. આ બધી સમસ્યાઓના નિવારણ માટે જિલ્લા કક્ષાનીસમિતિઓનું વિસર્જન કરી એકજ બોર્ડ દ્વારા કેન્દ્રીકરણ પધ્ધતિથી પરીક્ષા લેવાનો વિચાર થઇ રહ્યો છે. સરકાર આ મુદ્દે ટુંક સમયમાં વિકટ કામગીરી હાથ ધરે તેવી શકયતા છે.

(2:50 pm IST)