Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ગાયોના નામે મત માંગતી સરકારના ગૌશાળાઓ - પાંજરાપોળોને આર્થિક સહાય ચુકવવામાં ઠાગાઠૈયા : પરેશ ધાનાણી

રાજ્યમાં હજારો સંસ્થાઓને આર્થિક સહાય નથી ચુકવી : માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ ૧૮૨ રજીસ્ટર્ડ પાંજરાપોળો તથા ગૌશાળાઓને આર્થિક સહાય ચુકવવાની બાકી

ગાંધીનગર તા. ૬ : વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા ગુહમાં પ્રશ્નોત્ત્।રી કાળ દરમિયાન સિંહોના મુત્યુ અંગેના પ્રશ્નમાં પેટા પ્રશ્ન કરતાં જણાવ્યું હતું કે, ગીરના સિંહો એ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. ત્યારે રાજયમાં છેલ્લાં બે વર્ષમાં ૩૧૩ સિંહોના મોત થયા છે. જે ચિંતાનો વિષય છે. રાજયમાં સિંહોની સારવાર, ખોરાક અને અન્ય કારણોસર કુદરતી કે અકુદરતી રીતે મુત્યુ પામ્યાં છે. વર્ષોથી જંગલમાં રહેતાં માલધારીઓ જંગલમાંથી બહાર નીકળી ગયા છે. જંગલમાં સિંહોને પુરતો ખોરાક મળતો નથી. જેના કારણે જંગલના રાજા જંગલ છોડીને ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળવા મજબૂર બન્યાં છે

વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજય સરકાર દ્વારા ગુજરાતના ગૌરવ સમાન ૨૪ જેટલાં સિંહોને પારકાં રાજયમાં પાંજરે પુરી દીધા છે તેનો સરકારે જવાબ આપવો જોઇએ.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપને આડે હાથ લેતાં કહ્યું હતું કે, ચુંટણી સમયે હિન્દુત્વ અને ગાયોના નામે મત માંગતી ભાજપ સરકાર રાજયમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોને આર્થિક સહાય ચુકવવામાં ઠાંગાઠૈયા કરે છે. આજે પ્રશ્નોત્ત્।રમાં બહાર આવેલી વિગતો મુજબ માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ ૧૮૨ રજીસ્ટર્ડ પાંજરા પોળો તથા ગૌશાળાઓને આર્થિક સહાય ચુકવવાની બાકી છે. રાજયમાં હજારો સંસ્થાઓને આર્થિક સહાય ચુકવવાની બાકી છે, ત્યારે આ સહાય ન ચુકવાતાં પાંજરાપોળો અને ગૈશાળાઓમાં રહેતી ગાયો ભૂખથી મરી જાય છે એ ભાજપ સરકારને દેખાતું નથી

વિરોધ પક્ષના સવાલનો જવાબ આપતાં વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે, ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા એશિયાટીક સિંહોના સંવર્ધન માટે રાજય સરકાર હરહંમેશ કટિબદ્ઘ છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ માટે સતત ચિંતન કરીને સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સમયબદ્ઘ આયોજન કર્યું છે. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થયો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૫માં જયારે સિંહની ગણના થઇ ત્યારે ૫૨૩ સિંહ હતા. જયારે વર્ષ ૨૦૨૦માં પુનઃઅવલોકન થયું તેમાં ૬૭૪ સિંહ નોંધાયા છે. તેમણે ઉમેર્યું કે, સિંહોના અકુદરતી મૃત્યુ અટકે એ માટે રાજય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના પરિણામે આ શકય બન્યું છે.

આ માટે ક્ષેત્રિય સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી, ટેબલેટથી સુસજ્જ કરી સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. ઉપરાંત, પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ દ્વારા સંયુકત પેટ્રોલીંગ કરાય છે એટલું જ નહીં, વન્ય પ્રાણીના રેસકયુ માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્કયુ ટીમની રચના કરાઇ છે. તેમજ ચેકિંગ નાકા પર પરમીશન વગર લોકો ઘૂસી ન જાય તે માટે સી.સી. ટીવી કેમેરા તથા હાઇટેક મોનીટરીંગ યુનિટ કાર્યરત કરીને ૨૯૩ વન્ય પ્રાણી મિત્રો, ૧૬૦ હેકર્સ કાર્યરત કરાઇ છે.

તેમણે ઉમેર્યુ કે, સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બિમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિયુકત કરીને દેશભરમાં પ્રથમવાર ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે, તથા વન્ય પ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત છે. સિંહોના વિચરણનું સતત મોનીટરીંગ કરવા માટે સિંહોને રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેરમાર્ગો પર સ્પીડ બ્રેકરો, આઇસવોર્ડ મૂકાયા છે તથા રાજુલા-પીપાવાવ, રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઇનલીંક ફેન્સિંગ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

(11:45 am IST)