Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સરકાર ખેડૂત દિઠ રૂ. પ૧ હજારના (૧૦૦૦ કિલો)ના ચણા ખરીદશે : સોમવારથી ખરીદી

૩.રપ લાખ મેટ્રિક ટન ખરીદીની મંજુરીની માંગણી સામે કેન્દ્ર સરકારે ર.૪૭ લાખ મેટ્રિક ટનની જ મંજુરી આપી : ૩ લાખથી વધુ ખેડૂતો નોંધાયા છે : ગયા વર્ષે પ્રારંભે ખેડૂત દિઠ રપ૦૦ કિલો ચણા ખરીદાયેલ : આ વખતે ચણાનું મબલખ ઉત્પાદન છે : ખેડૂતોમાં કચવાટના એંધાણ

રાજકોટ, તા. ૬ : ગુજરાત સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા તા. ૮ માર્ચથી રાજયના ૧૮૮ કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થનાર છે. ચણા રૂ. પ૧ ના કિલો લેખે ખરીદવામાં આવશે ખુલ્લા બજારમાં ભાવ રૂ. ૪પ આસપાસ ગણાય છે. કેન્દ્ર સરકારે ઉત્પાદનના પ્રમાણમાં પુરતી મંજુરી ન આપતા રાજય સરકારે ચણાની ખરીદીના ખેડૂત દિઠ કાપ મૂકવો પડયો છે. ખેડૂત દિઠ મહતમ ૧ હજાર કિલો ચણા ખરીદવામાં આવશે. ચણાની ખરીદીના જથ્થા બાબતે ખેડૂતોમાં નારાજગી થવાના એંધાણ છે.

રાજય સરકારે ઉત્પાદન અને ઓનલાઇન નોંધણીના આંકડા ધ્યાને રાખીને ૩.રપ લાખ મેટ્રિક ટન ચણા ખરીદવાની મંજુરી આપવા કેન્દ્રમાં દરખાસ્ત કરેલ. તેની સામે કેન્દ્રએ બે તબક્કે આપેલ મંજુરી મુજબ ર.૪૭ લાખ મેટ્રિક ટન ચણા ખરીદી શકાશે. ચણાની ખરીદી તા. ૮ માર્ચથી પ જુન સુધી થશે.

ખેતી નિયામક કચેરીએ નાગરિક પુરવઠા નિગમને પત્ર પાઠવી જણાવ્યું કે ચણાના વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેકટર ૧૬૬૩ કિ.ગ્રા. ઉત્પાદકતા પ્રમાણે પ્રતિ ખેડૂત મહતમ ૧૦૦૦ કિ.ગ્રામ ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવી. ૧ હેકટર કે તેથી વધુ ચણાના વાવેતર વિસ્તાર ધરાવતા ખેડૂત પાસેથી મહત્તમ ૧૦૦૦ કિ.ગ્રામ. ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવી. ૦.પ હેકટર ચણાનો વાવેતર વિસ્તાર ધરાવતા ખેડૂત પાસેથી ૮૩ર કિ.ગ્રા. ચણા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવાની રહેશે. ૦.૭પ હેકટર ચણાનો વાવેતર વિસ્તાર ધરાવતા ખેડૂત પાસેથી ૧૦૦૦ કિ.ગ્રામ. ચણા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવાની રહે.

ઉપરોકત સુચવેલ પ્રતિ ખેડુત ખરીદ મર્યાદાને ધ્યાને લઇ ચણાની ટેકાના ભાવે ખરીદીમાં ભારત સરકારશ્રી દ્વારા  ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજુર કરવામાં આવેલ જથ્થા (ર,૪૭,૬પ૦ મે. ટન) કરતા વધુ ખરીદી કરવાની થાય તો વધારાના ચણાના જથ્થાની ખરીદી રાજય સરકાર વતી ગુ.રા.ના. પુ.નિ.લિ. ગાંધીનગરએ કરવાની રહેશે. આવા સંજોગોમાં ચણાના વધારાના ખરીદેલ જથ્થાનો નિકાલ પુરવઠા નિગમએ ગાંધીનગરએ રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓમાં કરવાનો રહેશે. પરંતુ જો કલ્યાણકારી યોજનાઓમાં નિકાલ ન થઇ શકે તો આવા જથ્થાનો નિકાલ નિગમે પારદર્શક પધ્ધતિથી કરવાનો રહેશે.

(11:45 am IST)