Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ભાજપ-કોંગ્રેસની વેબસાઇટ હેક થતાં લોકોમાં ભારે ચર્ચા

વેબસાઇટ હેક થવાની ઘટનાને લઇ અટકળોઃ વેબસાઇટ હેક થઇ જતાં બંને પક્ષના નેતાઓ અને આઇટી સેલના લોકો હેરાન : થોડા સમય બાદ બંનેની સાઇટ શરૂ

અમદાવાદ, તા.૫: દેશનો સૌથી મોટો પક્ષ એવા ભાજપની ઓફિશીયલ વેબસાઈટ સવારે હેક થઈ હતી. તો, બપોર બાદ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ પણ હેક થઈ છે. જો કે, ભાજપની વેબસાઈટ હેક થતા કોંગ્રેસ ટ્વિટ કરીને મજાક પણ ઉડાડી હતી. એટલામાં બપોર પછી કોંગ્રેસની વેબસાઇટ પણ હેક થઇ જતાં બંને પક્ષના નેતાઓ અને આઇટી સેલના અગ્રણીઓ દોડતા થઇ ગયા હતા. બીજીબાજુ, ભાજપ અને કોંગ્રેસની વેબસાઇટ હેક થતાં રાજકીય વર્તુળમાં પણ ભારે ચર્ચા ચાલી હતી. જો કે, થોડા સમય બાદ બંને પક્ષની વેબસાઇટ ચાલુ થઇ જતાં બંને છાવણીના નેતાઓએ રાહતનો દમ લીધો હતો. ભાજપની વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ.બીજેપી.ઓઆરજી દેશની સૌથી વ્યસ્ત વેબસાઈટમાંથી એક છે. ભાજપની આધિકારિક વેબસાઈટ પર પાર્ટીનો ઈતિહાસ, પાર્ટીના નેતાઓ, રાજ્ય સરકારો, પાર્ટીના કાર્યક્રમો અંગે જાણકારી આપવામાં આવી છે. આજે સવારે ભાજપની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ.બીજેપી.ઓઆરજી હેક થઈ હતી તેના થોડા કલાકો પછી કોંગ્રેસ પાર્ટીની ડબલ્યુડબલ્યુડબલ્યુ.ગુજરાતકોંગ્રેસ.ઇન નામની વેબસાઇટ અસમાજિક તત્વો ધ્વારા હેક કરવામાં આવી હતી. થોડા જ કલાકો પહેલા કોંગ્રેસ પક્ષની પાર્ટીના સોશિયલ મીડિયાના વડા દિવ્યા સ્પંદનાએ જણાવ્યું હતું કે, જો તમે ભાજપની વેબસાઇટ પર નજર નાખો તો હમણાં જ તમે ગુમ થઈ જશો. એના થોડા જ કલાકોમાં કોંગ્રેસ ની વેબ સાઇટ અસમાજિક તત્વો દ્વારા ડબલ્યુડબલ્યુડબલ્યુ.ગુજરાતકોંગ્રેસ.ઇન હેક કરવામાં આવી હતી. આજે ઇન્ટરનેટ ના યુગમાં આવો બનાવ એ પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે,ભાજપ અને કોંગ્રેસ એક બીજાને આલોચના કરવા તત્પર રહે છે બીજી તરફ લોકોનું સંદેશા માધ્યમ ગણાતી વેબસાઇટ કોઈ અસમાજિક તત્વો દ્વારા હેક કરવામાં આવી રહી છે. આજરોજ શહેરમાં વડાપ્રધાન દ્વારા જ્યારે શ્રમ યોગી માનધન યોજનનું લોંચિંગ કરાયું ત્યારે ડબલ્યુડબલ્યુડબલ્યુ. બીજેપી.ઓઆરજી વેબસાઇટ કથિત કારણોસર બંધ હતી. બીજી તરફ શીલા દિક્ષિત આપ સાથે કોઈ ગઠબંધન નહીં રાખે તેવા સમાચાર મળતાની સાથે થોડા જ કલાકોમાં ડબલ્યુડબલ્યુડબલ્યુ.ગુજરાતકોંગ્રેસ.ઇન નામની કોંગ્રેસ ની વેબસાઇટ અસમાજિક તત્વો દ્વારા હેક કરી દેવામાં આવી હતી. જો કે, થોડા સમય બાદ બંને પક્ષની વેબસાઇટ ફરી ચાલુ થઇ ગઇ હતી. જેને પગલે ભાજપ અને કોંગ્રેસની છાવણીમાં રાહતની લાગણી ફરી વળી હતી.

(9:32 pm IST)