Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ટ્રકના ચાલકે ટ્રાફિક શાખાના એએસઆઇને ઉડાવતા મોત

હેલ્મેટ પહેર્યું હોવાછતાં એએસઆઇનું મોત :ટ્રક ચાલક ફરાર : મોતને પગલે પોલીસ બેડામાં આઘાત

અમદાવાદ,તા. ૬ : શહેરના જૂહાપુરા વિસ્તારમાં ફતેહવાડી ચાર રસ્તા પાસે માંતેલા સાંઢની જેમ પૂરપાટઝડપે આવેલી એક આઇશર ટ્રકે આજે બાઇક પર જઇ રહેલા ટ્રાફિક શાખાના એએસઆઇને જોરદાર ટકકર મારી ઉડાવ્યા હતા. ટ્રકની ટક્કરથી ગંભીર ઇજાઓ પામેલા એએસઆઇનું હેલ્મેટ પહેર્યું હોવાછતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. ટ્રાફિક શાખાના એએસઆઇના કરૂણ મોતના સમાચારને પગલે શહેર ટ્રાફિક પોલીસ બેડામાં ઘેરા શોેકની લાગણી ફેલાઇ ગઇ હતી. અકસ્માતના આ બનાવ અંગે વેજલપુર પોલીસ અને ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, એએસઆઇને ઉડાવી ફરાર થઇ જનાર આરોપી ટ્રક ચાલકને પકડવાના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના એમ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં પ્રવીણભાઇ ચૌધરી આજે બપોરે જૂહાપુરા વિસ્તારના ફતેહવાડી ચાર રસ્તા પાસેથી પોતાની પલ્સર બાઇક પર પસાર થઇ રહ્યા હતા. એએસઆઇએ બાઇક ચલાવતી વખતે કાયદાનુસાર હેલ્મેટ પણ પહેરેલું હતુ. એ વખતે અચાનક માંતેલા સાંઢની જેમ પૂરપાટઝડપે આવેલી આઇશર ટ્રકના ચાલકે પોતાનું વાહન બેદરકારીભરી રીતે અને ગફલતભરી રીતે હંકારી એએસઆઇને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતા. ટ્રકની જબરદસ્ત ટકકરથી એએસઆઇ બાઇક સાથે જમીન પર ઘસડાયા હતા અને ટ્રકના પાછલા વ્હીલમાં તેમનું માથું આવી જતાં હેલ્મેટ પહેર્યું હોવાછતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું કરૂણ મોત નીપજયું હતું. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. મરનાર ટ્રાફિક શાખાના એએસઆઇ હોવાની જાણ થતાં વેજલપુર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તો સ્થાનિક ટ્રાફિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી.

ટ્રકની ટક્કરે એએસઆઇના કરૂણ મોતના સમાચારને પગલે સ્થાનિક લોકો સહિત સમગ્ર ટ્રાફિક પોલીસ બેડામાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો, તેથી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપી ટ્રક ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:09 pm IST)