Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અ'વાદ: દસ પોલીસ કર્મીઓ દારૂની બોટલ સાથે ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ

અમદાવાદ: દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ બુટલેગરોને નાથવા માટે પોલીસે લાલ આંખ કરી છે તેવામાં કેટલાક પોલીસ કર્મચારીઓ દારૂની બોટલો સાથે ઝડપાતાં આખાે પોલીસ ડિપાર્ટમેન્ટ આ મામલે ચર્ચાનો વિષય બન્યો છે. ઓઢવ વિસ્તારમાં ગઇ કાલે રામોલ પોલીસ અને ઓઢવ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રર વિદેશી દારૂની બોટલ અને ર૯ બિયરનાં ટીન સાથે ૧૦ એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ)ના જવાનની રંગેહાથ ધરપકડ કરી છે.

ચેન્નઇથી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યૂટી મીટમાં ભાગ લઇને જવાન સરકારી બસમાં અમદાવાદ આવ્યા હતા, જ્યાં તેઓ દારૂની બોટલો સાથે ઝડપાયા છે.  રામોલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એ. બી. ચૌધરીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં દસ એસઆરપી જવાન વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટક અને મહારાષ્ટ્રની બોર્ડર વચ્ચે આવેલા એક બારમાંથી જવાનોએ વિદેશી દારૂની ખરીદી કરી હતી. દારૂ લઇને તેઓ અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે કોઇ બાતમીદારે પોલીસ ક‌િમશનર એ. કે. સિંઘને બાતમી આપી હતી. બાતમીના આધારે પોલીસ ક‌િમશનરે રામોલ પોલીસને વોચમાં રહેવા કહ્યું હતું અને જો દારૂની બોટલ મળી આવે તો યોગ્ય કાર્યવાહી કરીને કેસ કરવા આદેશ આપ્યા હતા.

(6:25 pm IST)