Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

સિવિલ ડીફેન્સના ડીજીનો ચાર્જ ટી.એસ. બિસ્તનેઃ મોહન ઝાને આર્મ્સ યુનીટ ડીજીનો હવાલોઃ આઇબી વડાનો ચાર્જ આર.બી.બ્રહ્મભટ્ટને

મુખ્ય ડીજીપી બાદ વધુ ડીજીના હુકમો થઇ રહયાની ચર્ચા પર રાજય સરકારે પુર્ણવિરામ મુકી દીધું

રાજકોટ, તા., ૬: રાજય પોલીસ તંત્રમાં આઇએએસ માફક આઇપીએસ કક્ષાએ ટોપ ટુ બોટમ અધિકારીઓની બદલીઓ તોળાઇ રહયાની ચર્ચાઓ વચ્ચે રાજય સરકારે મુખ્ય ડીજીપી શિવાનંદ ઝાનો હુકમ કર્યા બાદ અન્ય ડીજીપીઓના રેગ્યુલર હુકમ કરવાના બદલે વિવિધ સ્થાનોએ ફરજ બજાવતા ડીજીપીઓને વધારાના ડીજીપીઓના સ્થાન સુપ્રત કરતો હુકમ રાજય સરકારના આદેશ અનુસાર ગૃહ મંત્રાલય દ્વારા થયો છે.

 

નિવૃત થયેલા પ્રમોદકુમાર કે જેઓની પાસે કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ અને નિયામક નાગરીક સંરક્ષણ જેવી મહત્વની કેડર પોસ્ટનો હવાલો હતો તે ચાર્જ ડીજીપી કક્ષાના જેલ વડા તેજપાલસિંહ બિસ્તને સુપ્રત કરવામાં આવ્યો છે. પ્રમોદકુમાર હસ્તકનો હથીયારી એકમના ડીજીનો ચાર્જ રાજયના એડમન વડા મોહન ઝાને સુપ્રત કરવામાં આવ્યો છે.

આઇબી વડા શિવાનંદ ઝા મુખ્ય ડીજીપી બનતા આઇબીના ડીજીની જગ્યાનો ચાર્જ આઇબીના આઇજી કક્ષાના આર.બી. બ્રહ્મભટ્ટને જ સુપ્રત કરવામાં આવ્યો છે. આ સ્થાન રાજકીય રીતે મહત્વનું હોવાથી રાજય સરકારે પોતાના વિશ્વાસુ એવા આર.બી.બ્રહ્મભટ્ટ પર ફરી પસંદગી ઉતારી છે.  આઇબીની અંડરમાં જ એટીએસ હોવાથી અને એટીએસ વડા એ.કે.સુરોલીયા ડીજીપી કક્ષાના હોવાથી સ્વભાવીક તેઓ આઇજીને રિપોર્ટ ન કરે આ સમસ્યા નિવારવા રાજય સરકારે આર.બી.બ્રહ્મભટ્ટ આઇબી વડાનો ચાર્જ રાખે ત્યાં સુધી એટીએસ વડા એ.કે.સુરોલીયા ડાઇરેકટ મુખ્ય ડીજીપી શિવાનંદ ઝાને રિપોર્ટ કરશે.

નવાઇની બાબત એ છે કે ગુજરાતમાં હાલમાં ૯-૯ ડીજીપીના સ્થાનો ભરાયેલા હોવા છતાં એસીબી વડા, હોમગાર્ડ વડા, ગુપ્તચર વડા અને હથીયારી એકમો જેવા મહત્વના વિભાગો ચાર્જમાં ચાલી રહયા છે.

૯-૯ ડીજીપીના સ્થાનો ભરેલા હોવા છતા એસીબી બાદ વધુ એક વખત મહત્વના વિભાગો ચાર્જમાં

રાજકોટઃ રાજય પોલીસ તંત્રમાં અત્યાર સુધી પરિસ્થિતિ એવી હતી કે મુખ્ય ડીજીપી સહિતના તમામ ડીજીપીઓના સ્થાનો વણપુરાયેલા હતા. મોટાભાગના સ્થાનો પર ઇન્ચાર્જ રાખવાનો વિક્રમ પણ સર્જાયેલો. હાલમાં પરિસ્થિતિ સાવ ઉલ્ટી છે. રાજય પોલીસ તંત્રમાં સિનીયર આઇપીએસ અફસરોને અન્યાય ન થાય તે માટે તેઓન તેઓની મુળ જગ્યાએ ડીજીપી બનાવી દેવામાં આવ્યા છે. હાલમાં પોલીસ તંત્રમાં કેડર અને નોન કેડર મળી કુલ ૯ ડીજીની જગ્યા છે. આમ છતાં રાજયના એસીબી વડા, સિવિલ ડીફેન્સ વડા, ગુપ્તચર વડા અને હથીયારધારી એકમોના ડીજીના સ્થાન પર રેગ્યુલર નિમણુંક કરવાને બદલે અન્ય ડીજીપીઓને વધારાના હવાલા સુપ્રત કરતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

ડીજીને આઇજીપીને રિપોર્ટ ન કરવો પડે તે માટેનો પણ ઉકેલ શોધી કઢાયો

રાજકોટઃ એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડ (એટીએસ) આઇબીની અંડરમાં ફરજ બજાવે છે. આઇબીના શિવાનંદ ઝા મુખ્ય ડીજીપી બન્યા બાદ આ સ્થાન ખાલી પડયું હતું. આ સ્થાન પર રાજય સરકારની ગુડસબુકમાં સ્થાન ધરાવતા આઇજી કક્ષાના આર.બી.બ્રહ્મભટ્ટને  ગુપ્તચર વડાનો ચાર્જ સુપ્રત તો કર્યો પરંતુ આઇબીની અંડરમાં ફરજ બજાવતા એટીએસ વડા એ.કે.સુરોલીયા ડીજીપી કક્ષાના હોવાથી તેઓએ આઇજીને રિપોર્ટ ન કરવો પડે તે માટે આર.બી.બ્રહ્મભટ્ટ ગુપ્તચર વડા રહે ત્યાં સુધી એ.કેસુરોલીયા પોતાનો રિપોર્ટ ડાઇરેકટ મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને કરશે. આમ આ રીતનો ઉકેલ કોઇ પ્રશ્નો ઉભા ન થાય તે માટે ગૃહ ખાતાએ શોધી કાઢયો છે.

(2:19 pm IST)