Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ગુજરાત હાઇકોર્ટ નીચલી કોર્ટના જજોને મોકલશે SMS

કોર્ટની કામગીરી ઝડપી બનાવવાનો પ્લાનઃ પેન્ડિંગ કેસોના નિકાલ માટે પગલા ભરાશે

અમદાવાદ તા. ૬ : નીચલી અદાલતોમાં ન્યાયિક અધિકારીઓ બાકી રહેલા કેસોનો જલ્દીથી નિકાલ કરે તે માટે ગુજરાત હાઇકોર્ટે ઓટોમેટેડે અલર્ટ સિસ્ટમ શરૂ કરી છે. પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી જજ દ્વારા જે કેસોમાં મુદત આપવામાં આવી હોય તેવા કેસોના નિકાલ માટે હવે જજને SMS મોકલવામાં આવશે. હાઇકોર્ટના રજિસ્ટાર જનરલ પી.આર. પટેલના જણાવ્યા પ્રમાણે, નીચલી અદાલતોના જજોને પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ચાલતા કેસોમાં હવે અઠવાડિયાથી વધુની મુદત ન આપવાની સૂચના અપાઇ છે.

 

જજોને આ પ્રકારના કેસનો ત્વરિત નિકાલ કરવા માટે સૂચન કરાયું છે. જો કોઇ જજ પાંચ વર્ષ કે તેથી વધુ જૂના કેસની સુનાવણી એક અઠવાડિયામાં ન કરે તો બીજા દિવસે તેમને કેસની સુનાવણી કરવા અંગેનો એક મેસેજ મોકલવામાં આવશે. સાથે જ દરેક જજને બાકી રહેલા કેસોની યાદી પણ મોકલાશે. ગુજરાત હાઇકોર્ટની નીચલી અદાલતોમાં હજુ ૧૫,૯૫,૦૧૧ કેસો પેંડિંગ છે. જેમાંથી ૨,૪૪,૬૫૭ (૧૫.૩૪%) કેસ જિલ્લા, મેજેસ્ટ્રીયલ અને સિવિલ કોર્ટમાં એક દાયકાથી વધુ સમયથી પેંડિંગ છે.

૨,૬૩,૧૧૯ (૧૬.૫%) કેસ એવા છે જે પાંચથી દસ વર્ષથી પેંડિંગ છે. સમગ્ર ભારતમાં ૨૨,૫૭,૯૯૬ કેસ છે જે છેલ્લા દસ વર્ષથી વધારે વખતથી નીચલી અદાલતોમાં પેંડિંગ છે. જે દેશની નીચલી અદાલતોના બાકી કેસોના ૮.૫૨% દર્શાવે છે. ૪૨,૪૨,૪૨૫ એટલે કે ૧૬.૦૧% જેટલા કેસો પાંચ વર્ષથી વધારે સમયથી નીચલી અદાલતોમાં પેંડિંગ છે.

રજિસ્ટાર જનરલના જણાવ્યા પ્રમાણે, કોર્ટની કાર્યવાહીમાં અવરોધરૂપ થતા આ પ્રકારના કેસોના નિકાલ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 'થોડા વર્ષો પહેલા નીચલી અદાલતોમાં બાકી કેસોની સંખ્યા ૨૨ લાખ જેટલી હતી, જે હવે ઘટીને ૧૬ લાખ થઇ છે. પાંચ વર્ષથી વધારે સમયથી પેંડિંગ કેસોની સંખ્યા પણ ૭.૫ લાખ જેટલી હતી, તેમાં પણ હવે નોંધપાત્ર ઘટાડો થયો છે.'(૨૧.૧૩)

(11:40 am IST)